42
સ્વપ્ન થયું સાકાર
એ સમયે યાકૂબના પ્રદેશમાં ભૂખમરો હતો. પરંતુ તેને ખબર પડી કે, મિસરમાં અનાજ વેચાય છે, એટલે યાકૂબે તેના પુત્રોને કહ્યું, “તમે શા માંટે એકબીજાના મોઢા સામે જોયા કરો છો? મને જાણવા મળ્યું છે કે, મિસરમાં અનાજ વેચાય છે, માંટે ત્યાં જાઓ, ને ત્યાંથી આપણા માંટે અનાજ ખરીદી લાવો. જેથી આપણે જીવતા રહીએ, ને ભૂખે ના મરીએ.”
આ સાંભળીને યૂસફના દશ ભાઈઓ અનાજ ખરીદવા માંટે મિસરમાં ગયા. પરંતુ યાકૂબે યૂસફના સગા ભાઈ બિન્યામીનને તેઓ સાથે મોકલ્યો નહિ. કદાચ એની સાથે કોઇ દુર્ભાગ્ય ઘટના થાય.
આમ, કનાનના પ્રદેશમાં દુકાળ હતો એટલે બીજા લોકોની સાથે ઇસ્રાએલના પુત્રો પણ અનાજની ખરીદી માંટે આવ્યા.
મિસર દેશનો શાસનકર્તા યુસફ હતો. દેશના તમાંમ લોકોને તે જ અનાજ વેચાતું આપતો હતો; તેથી યૂસફના ભાઈઓએ તેમની સામે આવીને ભોય લગી મસ્તક નમાંવીને સાષ્ટાંગ પ્રણામ કર્યા. પરંતુ યૂસફે પોતાના ભાઈઓને જોયા અને ઓળખ્યા, છતાં પણ જાણે અજાણ્યો હોય તે રીતે તેઓની સાથે વત્ર્યો. અને કડકાઈથી તેઓને સવાલ કર્યો, “તમે કયાંથી આવો છો?”
તેઓએ જવાબ આપ્યો, “અમો કનાનના પ્રદેશમાંથી અનાજ ખરીદવા આવ્યા છીએ.”
અને યૂસફે તો તેના ભાઈઓને ઓળખ્યા પણ તે લોકોએ તેને ના ઓળખ્યો. પોતાને એ લોકો વિષે જે સ્વપ્નો આવ્યા હતાં તેનું સ્મરણ થયું.
અને યૂસફે તેમને કહ્યું, “તમે જાસૂસ છો; દેશનાં છિદ્રો જોવા આવ્યા છો.”
10 પણ તેમણે કહ્યું, “ના, સાહેબ, અનાજ ખરીદવા માંટે આપના સેવકો આવ્યા છે. 11 અમે બધા એક જ પિતાના પુત્રો છીએ, અમે પ્રામાંણિક લોકો છીએ. આપના સેવકો જાસૂસો નથી.”
12 છતાં યૂસફે કહ્યું, “એમ નહિ, તમે દેશનાં છિદ્રો જોવા જ આવ્યા છો.”
13 તેથી તેઓએ કહ્યું, “અમે, બધા ભાઈઓ છીએ. અમો કુલ 12 ભાઇઓ છીએ, અમે તમાંરી સામે સેવકો જેવા છીએ. અમો કનાન દેશના એક જ માંણસના પુત્રો છીએ; સૌથી નાનો પુત્ર અમાંરા પિતા પાસે છે, અને બીજા એક પુત્રનો કોઈ પત્તો નથી.”
14 અને યૂસફે તેઓને કહ્યું, “મેં કહ્યું તેમ તમે જાસૂસ જ છો. 15 એટલા માંટે તમાંરી પરીક્ષા કરવામાં આવશે; ફારુનના જીવના સમ ખાઈને કહું છું કે, તમાંરો સૌથી નાનો ભાઈ અહીં ન આવે, ત્યાં સુધી તમાંરે અહીંથી જવાનું નથી. તમાંરામાંથી ગમે તે એક જણને મોકલીને તમાંરા ભાઈને બોલાવો. 16 ત્યાં સુધી તમાંરે કારાગારમાં બંદીવાન બનવું પડશે; આમ, તમે સાચું બોલો છો કે, કેમ તેની કસોટી થશે, નહિ તો ફારુનના જીવના સમ ખાઈને કહું છું કે, તમે જાસૂસ જ છો.” 17 અને પછી તેણે તે લોકોને ત્રણ દિવસ સુધી કારાગારમાં રાખ્યા.
શિમયોનને બંદીવાનની જેમ રાખવામાં આવ્યો.
18 પછી ત્રીજે દિવસે યૂસફે તેઓને કહ્યું, “જો તમે આમ કરશો તો જરૂર બચવા પામશો, કારણ કે હું તો દેવથી ડરીને ચાલનારો માંણસ છું; 19 જો તમે ખરેખર સાચા હો તો તમાંરામાંનો ગમે તે એક ભાઈ કારાગારમાં રહે; અને બાકીના સૌ તમાંરા ભૂખે મરતા કુટુંબ માંટે અનાજ લઈને જાઓ. 20 પછી તમાંરા સૌથી નાના ભાઈને માંરી આગળ લઈને આવો; તે પરથી તમાંરી વાત સાચી ઠરશે અને તમાંરે મરવું પણ નહિ પડે.”
પછી તે લોકો એમ કરવા સંમત થયા. 21 તેઓ એકબીજાને કહેવા લાગ્યા. “ખરેખર આપણે આપણા ભાઈની બાબતમાં ગુનેગાર છીએ. કારણ કે જયારે તેણે આપણને કાલાવાલા કર્યા હતા, ને આપણે તેને થતું કષ્ટ જોયું હતું, છતાં પણ આપણે સાંભળ્યું નહિ; એટલા માંટે જ આ સંકટ આપણા પર આવી પડ્યું છે.”
22 રૂબેને તેઓને કહ્યું, “શું મેં તમને નહોતું કહ્યું કે, એ છોકરા પર અત્યાચાર કરીને પાપમાં પડશો નહિ? છતાં તમે માંન્યું નહિ; તેથી હવે તેના રકતનો બદલો ચૂકવવો પડે છે.”
23 તે લોકો જાણતા નહોતા કે, યૂસફ તેમની વાત સમજે છે; કારણ કે, તેમની વચ્ચે દુભાષિયો હતો. 24 અને પછી યૂસફ તેઓની પાસેથી ચાલ્યો ગયો અને રડી પડયો. પાછળથી તેઓની પાસે પાછા ફરીને તેણે તેઓની સાથે વાત કરી, પછી તેમનામાંથી શિમયોનને લઇને તેમના દેખતાં જ તેને દોરડે બાંધ્યો. 25 ત્યારબાદ યૂસફે તેઓની ગુણોમાં અનાજ ભરવાની દરેકના પૈસા તેના થેલામાં પાછા મૂકવાની તથા તેમને મુસાફરી માંટે ભાતું આપવાની આજ્ઞા કરી; અને તેઓને તે પ્રમાંણે કરી આપવામાં આવ્યું.
26 પછી તેઓ પોતાનાં ગધેડાંઓ ઉપર અનાજની ગુણો લાદીને ત્યાંથી નીકળ્યા. 27 પછી એક ઉતારામાં તેઓમાંના એકે પોતાના ગધેડાને દાણા ખવડાવવા માંટે પોતાની ગુણ છોડી, ત્યારે થેલાના મોં આગળ જ તેણે પોતાના પૈસા જોયા. 28 એટલે તરત જ તેણે પોતાના ભાઇઓને કહ્યું, “માંરા પૈસા મને પાછા મળ્યાં છે. જુઓ, આ રહ્યા માંરા થેલામાં!” આ સાંભળીને તે બધા મનમાં ખૂબ ગભરાયા, અને ધ્રૂજતા ધ્રૂજતા તેઓ એકબીજાના મો જોવા લાગ્યાં, અને બોલવા લાગ્યા, “દેવે આપણને આ શું કર્યુ?”
યાકૂબને ભાઇઓએ જણાવ્યું
29 પછી જયારે તેઓ કનાનમાં પોતાના પિતા યાકૂબ પાસે આવ્યા, ને જે કાંઈ બન્યું હતું તે બધું જ તેમને કહી સંભળાવ્યું. 30 તેમણે કહ્યું, “જે માંણસ તે દેશનો શાસનકર્તા છે તેણે અમાંરી સાથે કડકાઈથી વાત કરી અને અમને કઠોર વેણ કહ્યાં, ને અમને દેશના જાસૂસ ગણ્યા. 31 પણ અમે તો તેને કહ્યું કે, ‘અમે સાચા માંણસો છીએ. અમે જાસૂસ નથી; 32 અમે બાર ભાઈઓ એક જ પિતાના પુત્રો છીએ. સૌથી નાનો અત્યારે અમાંરા પિતા પાસે છે. અને એકનો તો કશો પત્તો જ નથી.’
33 “તે પછી એ માંણસે તે પ્રદેશના શાસનકર્તાએ અમને કહ્યું, ‘જો તમે હું કહું તેમ કરશો, તો હું જાણીશ કે, તમે પ્રામાંણિક છો, તમાંરામાંના એકને માંરી પાસે રહેવા દો અને બાકીના તમે પાછા જઇ શકો અને તમાંરા ભૂખે મરતા કુટુંબ માંટે અનાજ લઈ જાઓ. 34 અને તમાંરા સૌથી નાના ભાઈને માંરી પાસે લઈને આવો તો હું માંનીશ કે, તમે જાસૂસો નથી, પણ સાચા માંણસ છો. અને હું તમાંરા ભાઈને પાછો તમને સોંપી દઈશ અને તમે આ દેશમાં વેપાર કરજો.’ ”
35 પછી એમ થયું કે, જ્યારે તેઓ પોતપોતાની ગુણો ખાલી કરતાં હતા ત્યારે દરેક જણને તેમના પૈસાની કોથળી ગુણોમાંથી મળી આવી. પછી એ પૈસાની થેલીઓ જોઈને તેઓ તથા તેમના પિતા ગભરાઈ ગયા.
36 પછી તેઓના પિતા યાકૂબે તેમને કહ્યું, “તમે ઇચ્છો છો કે, હું માંરા બધા સંતાનો ગુમાંવી દઉ? યૂસફ ન રહ્યો, શિમયોન ન રહ્યો અને હવે તમે બિન્યામીનને લઈ જાઓ છો; પણ શું આ બધી મુશ્કેલીઓ માંરે સહન કરવાની છે?”
37 પછી રૂબેને પોતાના પિતાને કહ્યું, “જો હું એને તમાંરી પાસે પાછો ન લાવું તો તમે માંરા બે પુત્રોને માંરી નાખજો. એને તમે માંરા હાથમાં સોંપો, હું અવશ્ય એને તમાંરી પાસે પાછો લઇને જ આવીશ.”
38 પણ યાકૂબે તેને કહ્યું, “માંરો પુત્ર તમાંરી સાથે નહિ આવે, કારણ કે એનો ભાઇ મરી ગયો છે, અને એ એક જ જીવતો છે. અને મુસાફરી દરમ્યાન જો તેના પર કોઈ આફત આવી પડે તો, તમે માંરાં વૃદ્વત્વને નાશવંત બનાવી અને મને ઉડાં શોક અને દુ:ખમાં મરવા મજબૂર કરશો.”