The First Epistle of Paul to the Thessalonians
થેસ્સાલોનિકીઓને પાઉલ પ્રેરિતનો પહેલો પત્ર
૧
થેસ્સાલોનિકીઓને પાઉલનો પત્ર
૧ ઈશ્વરપિતા તથા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં થેસ્સાલોનિકેની મંડળી (વિશ્વાસી સમુદાય) ને પાઉલ, સિલ્વાનસ તથા તિમોથી લખે છે; તમને કૃપા તથા શાંતિ હો.
થેસ્સાલોનિકા મંડળીનું જીવન અને વિશ્વાસ
૨ અમારી પ્રાર્થનાઓમાં તમારાં નામ કહીને, અમે સદા તમો સર્વને માટે ઈશ્વરની આભારસ્તુતિ કરીએ છીએ; ૩ તમારા વિશ્વાસનાં કામ, પ્રેમપૂર્વકની તમારી મહેનત તથા આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરની તમારી દ્રઢ આશાને કારણે તમારામાં ઉત્પન્ન થતી ધીરજને, આપણા ઈશ્વર તથા પિતાની આગળ, અમે હંમેશા યાદ કરીએ છીએ;
૪ ભાઈઓ, અમે જાણીએ છીએ કે, ઈશ્વર તમારા પર પ્રેમ કરે છે અને તેણે તમને પસંદ કર્યા છે. ૫ કેમ કે અમારી સુવાર્તા કેવળ શબ્દમાં નહિ, પણ પરાક્રમમાં, પવિત્ર આત્મામાં તથા ઘણી ખાતરીપૂર્વક તમારી પાસે આવી; તેમ જ તમારે લીધે અમે તમારી મધ્યે કેવી રીતે રહ્યા હતા એ તમે જાણો છો.
૬ તમે અમને તથા પ્રભુને અનુસરનારા થયા કેમ કે ઘણી વિપત્તિઓ વેઠીને પવિત્ર આત્માના આનંદસહિત તમે પ્રભુની વાત સ્વીકારી. ૭ જેથી તમે મકેદોનિયા તથા અખાયામાંના સર્વ વિશ્વાસીઓને નમૂનારૂપ થયા.
૮ કેમ કે કેવળ મકેદોનિયા તથા અખાયામાં તમારાથી પ્રભુની વાતનો પ્રસાર થયો એટલું જ નહિ, પણ સર્વ સ્થળે ઈશ્વર પરનો તમારો વિશ્વાસ પ્રગટ થયો, એ બાબતે અમારે કશું કહેવાની જરૂર જણાતી નથી. ૯ લોકો પોતે અમારા વિષે એ બધી વાતો પ્રગટ કરે છે કે, કેવી પરિસ્થિતિમાં અમે તમારી મધ્યે આવ્યા અને તમે જીવંત તથા ખરા ઈશ્વરની સેવા કરવાને ૧૦ તથા ઈશ્વરના પુત્ર, એટલે આવનાર કોપથી આપણને બચાવનાર ઈસુ, જેમને તેમણે મૂએલાંમાંથી સજીવન કર્યા, તેમની સ્વર્ગથી આવવાની રાહ જોવાને, કેવી રીતે મૂર્તિઓ તરફથી ઈશ્વર તરફ, તમે ફર્યા.