૪૧
૧ પછી તે મને પવિત્રસ્થાનમાં લાવ્યો અને પ્રવેશદ્વારની બારસાખનું માપ લીધું તો તે એક બાજુએ છ હાથ પહોળું અને બીજી બાજુએ છ હાથ પહોળું હતું. ૨ પ્રવેશદ્વારની પહોળાઈ દસ હાથ હતી. દીવાલની દરેક બાજુ પાંચ હાથ લાંબી હતી. તેણે લંબાઈ માપી તો ચાળીસ હાથ હતી અને પહોળાઈ વીસ હાથ હતી.
૩ પછી તે અંદરના ભાગમાં ગયો એટલે પવિત્રસ્થાનમાં ગયો. તેણે પ્રવેશદ્વારના સ્તંભો માપ્યા. તે દરેક બે હાથ હતા; પ્રવેશદ્વાર છ હાથ પહોળો હતો. તેની બન્ને તરફની દીવાલ સાત હાથ પહોળી હતી. ૪ પછી તેણે તેના ઓરડાની લંબાઈ માપી તો તે વીસ હાથ હતી. અને તેની પહોળાઈ પણ વીસ હાથ હતી. પછી તેણે મને કહ્યું, “આ પવિત્રાતિપવિત્ર સ્થાન છે.”
૫ ત્યાર પછી તેણે સભાસ્થાનની દીવાલની જાડાઈ માપી તો તે છ હાથ હતી. તેની ચારેબાજુના ઓરડાની પહોળાઈ ચાર હાથ હતી. ૬ તે ઓરડીઓ હારબંધ એમ ત્રીસ હતી. તેમના ત્રણ માળ હતા. ચારેબાજુ ઓરડીઓને માટે સભાસ્થાનની જે દીવાલ હતી તે તેની અંદર ઘૂસેલી હતી, એ માટે કે તેમના પર તેનો આધાર રહે અને સભાસ્થાનની દીવાલ પર તેમનો આધાર ન રહે. ૭ ઓરડીની ચારેબાજુની દીવાલ જેમ જેમ ઊંચી થતી તેમ તેમ વધારે પહોળી થતી હતી. સભાસ્થાન જેમ જેમ ઊંચું થતું તેમ તેમ પહોળું થતું હતું. તેથી નીચેના માળથી વચલા અને ઉપલા માળે જઈ શકાતું હતું.
૮ મેં જોયું કે સભાસ્થાનની ચારેબાજુ ઊંચો ઓટલો હતો. ઓરડીઓના પાયાની ઊંચાઈનું માપ છ હાથ હતું. ૯ આ ઓરડીઓની બહારની દીવાલ પાંચ હાથ હતી. જે જગા ખુલ્લી પડી રહેતી હતી તે સભાસ્થાનની આજુબાજુની ઓરડીઓ હતી.
૧૦ આ ઓરડીઓની તથા યાજકોની ઓરડીઓ વચ્ચે સભાસ્થાનની ચારેબાજુ વીસ હાથ પહોળી ખુલ્લી જગ્યા હતી. ૧૧ ઓરડીઓનાં બાકી રહેલાં બારણાં ઓટલા તરફ હતાં, એટલે એક બારણું ઉત્તર તરફ અને બીજુ દક્ષિણ તરફ. અને ફાજલ પડેલી જગ્યાની પહોળાઈ ચોતરફ પાંચ હાથ હતી.
૧૨ અલગ જગાની સામેની ઇમારત જે પશ્ચિમ દિશા તરફ હતી તે સિત્તેર હાથ પહોળી હતી. તે ઇમારતની ચોતરફનો ઓસરી પાંચ હાથ હતો, તેની લંબાઈ નેવું હાથની હતી. ૧૩ તે માણસે સભાસ્થાનનું માપ લીધું, તે સો હાથ લાંબુ હતું. અને અલગ જગા, તેની દીવાલ અને આંગણાનું માપ પણ સો હાથ લાંબું હતું. ૧૪ વળી મંદિરમાં મોખરાની તથા પૂર્વ તરફ અલગ જગાની પહોળાઈ સો હાથ હતી.
૧૫ પછી તેણે પવિત્રસ્થાનની પાછળની ઇમારતની લંબાઈ માપી, તેની આ બાજુની તથા બીજી બાજુની ઓસરી માપી તો તે સો હાથ હતી. પવિત્રસ્થાન તથા દ્વારમંડપ, ૧૬ અંદરની દીવાલો, બારીઓ તથા પરસાળની સામેના અને ઓસરીના ત્રણ માળ તે ચારેબાજુ જમીનથી તે બારીઓ સુધી તકતીઓ જડેલી હતી. બારીઓ ઢાંકેલી હતી. ૧૭ પવિત્રસ્થાનના પ્રવેશદ્વાર પર અને તેની ચારેબાજુની દીવાલ પર કરુબો તથા ખજૂરીનાં વૃક્ષો કોતરેલાં હતા.
૧૮ પાટિયા ખજૂરીનાં વૃક્ષો તથા કરુબોથી શણગારેલાં હતાં; દરેક કરુબ વચ્ચે એકએક ખજૂરીનું વૃક્ષ હતું. અને દરેક કરુબને બે મુખ હતાં: ૧૯ માણસનું મુખ એક બાજુના ખજૂરીના વૃક્ષ તરફ હતું અને સિંહનું મુખ બીજી બાજુના ખજૂરીના વૃક્ષ તરફ હતું. આખું ઘર ચારેબાજુ શણગારેલું હતું. ૨૦ જમીનથી તે બારણાના ઉપર સુધી સભાસ્થાનની દીવાલો ઉપર કરુબો તથા ખજૂરીનાં વૃક્ષો શણગારેલાં હતાં.
૨૧ પવિત્રસ્થાનનાં બારણાંની બારસાખો ચોરસ હતી. અને તેઓ બધા દેખાવમાં એક જેવા હતા. ૨૨ પરમપવિત્રસ્થાનમાં લાકડાની વેદી હતી, તે દરેક બાજુથી ત્રણ હાથ ઊંચી અને બે હાથ પહોળી હતી. તેના ખૂણા, તેનું તળિયું, તથા તેના ચોકઠાં લાકડાનાં બનેલાં હતાં. તે માણસે મને કહ્યું કે, “આ યહોવાહની હજૂરની મેજ છે.” ૨૩ પવિત્રસ્થાન તથા પરમપવિત્રસ્થાનને બે બારણાં હતાં. ૨૪ પ્રત્યેક બારણાને બે કમાડ હતાં, બે ફરતાં કમાડ હતાં; એક બારણાને બે કમાડ, બીજા બારણાને પણ બે.
૨૫ પવિત્રસ્થાનના દરવાજા પર, જેમ દીવાલો પર કોતરેલાં હતાં, તેમ કરુબો તથા ખજૂરીઓ કોતરેલાં હતાં, ઓસરીની આગળની બાજુએ લાકડાના જાડા ભારોટીયા હતા. ૨૬ તે ઓસરીની બન્ને બાજુએ બારીઓ હતી અને બન્ને તરફ ખજૂરીવૃક્ષની કોતરણી હતી. સભાસ્થાનની બાજુની ઓરડીઓ પર પણ જાડા ભારોટિયા હતા.