૧૬
૧ આસાની કારકિર્દીના છત્રીસમા વર્ષમાં, ઇઝરાયલના રાજા બાશાએ યહૂદિયા વિરુદ્ધ આક્રમણ કર્યું. યહૂદિયાના રાજા આસાની મદદે બીજા કોઈને આવતા અટકાવી દેવા સારુ તેણે રામાનો કિલ્લો બાંધ્યો.
૨ પછી આસાએ ઈશ્વરના સભાસ્થાનના તથા રાજાના મહેલના ભંડારોમાંથી સોનુંચાંદી લઈને દમસ્કસમાં રહેનાર અરામના રાજા બેન-હદાદ પર મોકલીને તેને કહેવડાવ્યું, ૩ “જેમ તારા પિતા તથા મારા પિતા વચ્ચે સંપ હતો, તેમ મારી તથા તારી વચ્ચે છે. આ ચાંદી તથા સોનું મેં તારા માટે મોકલ્યું છે. ઇઝરાયલના રાજા બાશાની સાથે તારો સંબંધ તોડી નાખ, કે જેથી તે અહીંથી ચાલ્યો જાય.”
૪ બેન-હદાદે આસા રાજાનું સાંભળીને પોતાના સૈન્યના સેનાપતિઓને ઇઝરાયલનાં નગરો પર ચઢાઈ કરવા મોકલી આપ્યાં. તેઓએ ઈયોન, દાન, આબેલ-માઈમ તથા નફતાલીનાં સર્વ ભંડાર નગરો પર હુમલો કર્યો. ૫ જયારે બાશાએ આ સાંભળ્યું, ત્યારે તેણે રામાનો કિલ્લો બાંધવાનું કામ બંધ કરાવી દીધું. ૬ પછી આસા રાજાએ યહૂદિયાના લોકોને સાથે લીધા. તેઓ જે પથ્થરો તથા જે લાકડાં બાશાએ રામાના કિલ્લાના બાંધકામમાં વાપરવા માટે તૈયાર કર્યાં હતાં તે લઈ ગયા. પછી તે વડે આસા રાજાએ ગેબા તથા મિસ્પા બાંધ્યાં.
૭ તે જ સમયે હનાની પ્રબોધક યહૂદિયાના આસા રાજા પાસે આવીને તેને કહ્યું, “તમે પ્રભુ ઈશ્વરને બદલે અરામના રાજા ઉપર ભરોસો રાખ્યો છે, માટે અરામના રાજાનું સૈન્ય તમારા હાથમાંથી છટકી જઈ શક્યું છે. ૮ શું તને યાદ નથી કે કૂશીઓ તથા લુબીઓના સૈન્યની સાથે અસંખ્ય રથો તથા ઘોડેસવારો હતા છતાં તેઓની શી હાલત થઈ હતી? પણ તે સમયે તેં ઈશ્વર પર ભરોસો રાખ્યો હતો, એટલે તેમણે તને તેઓ પર વિજય અપાવ્યો હતો.
૯ કેમ કે ઈશ્વરની દ્રષ્ટિ સમગ્ર પૃથ્વીનું નિરીક્ષણ કર્યા કરે છે. અને જેઓનું અંત:કરણ તેમના પ્રત્યે સંપૂર્ણ છે, તેઓને સહાય કરીને તે પોતે બળવાન છે એમ બતાવી આપે છે. પણ તેં તેમની બાબતમાં મૂર્ખાઈ કરી છે. હવેથી તારે યુદ્ધો લડવાં પડશે.” ૧૦ એ સાંભળીને આસા તે પ્રબોધક પર ગુસ્સે થયો; તેણે તેને જેલમાં પૂરી દીધો, કેમ કે તે આ બધી બાબતોને લઈને તે તેના પર કોપાયમાન થયો હતો. એ જ સમયે આસાએ કેટલાક લોકો પર ત્રાસ વર્તાવ્યો.
૧૧ જુઓ, આસાનાં કૃત્યો, પ્રથમથી તે છેલ્લે સુધી, યહૂદિયાના રાજાઓના તથા ઇઝરાયલના પુસ્તકમાં લખેલાં છે. ૧૨ તેના રાજયના ઓગણચાળીસમા વર્ષમાં તેના પગમાં કોઈ રોગ થયો, તે રોગની પીડા ત્રાસજનક હતી. તોપણ તેણે બીમારીમાં ઈશ્વરની નહિ, પણ વૈદોની સહાય લીધી.
૧૩ આસા પોતાના પૂર્વજોની સાથે ઊંઘી ગયો; તેની કારકિર્દીના એકતાળીસમા વર્ષે તે મરણ પામ્યો. ૧૪ દાઉદનગરમાં તેણે પોતાને માટે જે કબર ખોદાવી હતી તેમાં તેને દફનાવવામાં આવ્યો. તેના કફનમાં સુગંધીઓ તથા ગાંધીએ તૈયાર કરેલાં વિવિધ પ્રકારનાં સુગંધીદ્રવ્યો ભરીને તેઓએ તેમાં તેને સુવાડ્યો. પછી તેઓએ મોટા પ્રમાણમાં સુગંધીદ્રવ્યોનું દહન કર્યું.