૬
૧ હે સ્ત્રીઓમાં શ્રેષ્ઠ સુંદરી
તારો પ્રીતમ કઈ તરફ ગયો છે?
તારો પ્રીતમ કઈ દિશા તરફ ગયો છે,
(અમને કહે) જેથી અમે તારી સાથે તેને શોધીએ?
૨ મારો પ્રીતમ પોતાના બાગમાં ગયો છે,
સુંગધીઓના ક્યારામાં,
બાગોમાં આનંદ કરવા ગુલછડી વીણવા ગયો છે.
૩ હું મારા પ્રીતમની છું અને મારો પ્રીતમ મારો જ છે;
તે ગુલછડીઓમાં પોતાને આનંદિત કરે છે.
૪ સ્ત્રીનો પ્રીતમ તેને કહે છે, મારી પ્રિયતમા તું તિર્સા જેવી સુંદર,
યરુશાલેમ જેવી ખૂબસૂરત,
અને ધ્વજાઓ સહિતના સૈન્ય જેવી ભયાવહ છે.
૫ તારાં નેત્ર મારી તરફથી ફેરવી લે,
કેમ કે તેઓએ મારો પરાજય કર્યો છે.
ગિલ્યાદની બાજુએ બેઠેલા,
બકરાંના ટોળાં જેવા તારા કેશ છે.
૬ ઘોવાઇને બહાર નીકળેલી
ઘેટીઓના ટોળાં જેવા તારા દાંત છે
જેઓમાંની દરેક બબ્બે બચ્ચાં જણે છે
અને તેઓમાંના કોઈએ પોતાના બચ્ચાં ગુમાવ્યાં નથી.
૭ તારા બુરખા પાછળ
તારા ગાલ દાડમની ફાડ જેવા છે.
૮ રાણીઓ તો સાઠ છે અને એંસી ઉપપત્નીઓ છે;
અને બીજી અસંખ્ય કુમારિકાઓ છે.
૯ અને મારી હોલી, મારી નિષ્કલંક તો એક જ છે;
તે પોતાની માતાની એકની એક છે;
તે પોતાની જનેતાની માનીતી છે.
પુત્રીઓએ તેને જોઈને કહ્યું કે તું પ્રશંસાપાત્ર છે; રાણીઓ અને ઉપપત્નીઓ તેને જોઈને તેની પ્રશંસા કરે છે.
૧૦ પ્રભાતના જેવી પ્રકાશિત ક્રાંતિવાળી,
ચંદ્ર જેવી સુંદર,
સૂર્ય જેવી ડાઘ વગરની, ધ્વજાઓ સહિતના સૈન્ય જેવી ભયંકર એ કોણ છે?
૧૧ વસંતઋતુ ખીલી છે તે જોવા
દ્રાક્ષવેલાને કૂંપળો ફૂટી છે કે કેમ;
દાડમોને મોર આવ્યો છે કે કેમ;
તે જોવા માટે હું અખરોટના બગીચામાં ગયો.
૧૨ હું કંઈ સમજુ તે પહેલા તો
મારા આત્માએ મને રાજવંશી રથમાં બેસાડ્યો.
૧૩ પાછી આવ, હે શૂલ્લામી;
પાછી આવ; પાછી આવ કે અમે તને નિહાળીએ.
માહનાઇમના નૃત્યની જેમ તમે શૂલ્લામીને કેમ જુઓ છો?