૧૨૯
૧ ઇઝરાયલ કહો કે,
“તેઓએ મારી યુવાવસ્થાથી મને બહુ દુઃખ આપ્યું છે.”
૨ “મારી યુવાવસ્થાથી તેઓએ મને બહુ જ દુઃખ આપ્યું છે,
તેમ છતાં તેઓ મને હરાવી શક્યા નહિ.
૩ મારી પીઠ પર હળ ખેડનારાઓએ હળ ચલાવ્યું છે;
તેઓએ લાંબા અને ઊંડા કાપા પાડ્યા છે.
૪ યહોવાહ ન્યાયી છે;
દુષ્ટોએ બાંધેલાં બંધનો તેમણે તોડ્યાં છે.”
૫ સિયોનને ધિક્કારનારા બધા
અપમાનિત થાઓ અને પાછા ફરો.
૬ તેઓ ધાબા પરના ઘાસના જેવા થાઓ
કે તે ઊગે તે પહેલાં કરમાઈ જાય,
૭ જેથી કાપનાર પોતાનો હાથ
અને પૂળા બાંધનાર પોતાની બાથ ભરી શકતો નથી.
૮ તેઓની પાસેથી જનારા એવું કહેતા નથી કે,
“યહોવાહનો આશીર્વાદ તમારા પર હો;
યહોવાહના નામે અમે તમને આશીર્વાદ આપીએ છીએ.”