પોતાના દીકરા આબ્શાલોમથી નાસી જતી વખતનું દાઉદનું ગીત.
 
૧ હે યહોવાહ, મારા વેરીઓ કેટલા બધા વધી ગયા છે!
મારી સામે હુમલો કરનારા ઘણા છે.
૨ ઘણા મારા વિષે કહે છે,
“ઈશ્વર તરફથી તેને કોઈ મદદ મળશે નહિ.”
સેલાહ
૩ પણ હે યહોવાહ તમે મારી આસપાસ ઢાલરૂપ છો,
તમે મારું ગૌરવ તથા મારું માથું ઊંચું કરનાર છો.
૪ હું મારી વાણીથી યહોવાહને વિનંતી કરું છું
અને તે પોતાના પવિત્ર પર્વત પરથી મને ઉત્તર આપે છે.
સેલાહ
૫ હું સૂઈને ઊંઘી ગયો;
હું જાગ્યો, કેમ કે યહોવાહ મારું રક્ષણ કરે છે.
૬ જે હજારો લોકોએ મને ઘેરી લીધો છે
તેઓથી હું બીશ નહિ.
૭ હે યહોવાહ, ઊઠો! મારા ઈશ્વર, મારો બચાવ કરો!
કેમ કે તમે મારા સર્વ શત્રુઓનાં જડબાં પર પ્રહાર કર્યો છે;
તમે દુષ્ટોના દાંત ભાંગી નાખ્યા છે.
૮ ઉદ્ધાર યહોવાહ પાસેથી મળે છે.
તમારા લોકો પર તમારો આશીર્વાદ આવો.
સેલાહ