૩૦
૧ મૂસાએ ઇઝરાયલી લોકોના કુળના આગેવાનોને કહ્યું, “યહોવાહે આજ્ઞા આપી તે આ છે. ૨ જયારે કોઈ વ્યક્તિ યહોવાહ માટે, પોતાને માટે સમ ખાઈને વચન લે, તો તે પોતાનું વચન તોડે નહિ. તે તેના મુખ દ્વારા જે બોલ્યો હોય તે સર્વ કરવા માટે તેણે પોતાનું વચન પાળવું.
૩ જો કોઈ કુંવારી સ્ત્રી યહોવાહને નામે સંકલ્પ કરે, પોતાના પિતાના ઘરે રહીને, વચનથી પોતાને આધીન કરે, ૪ જે વચનો અને સંકલ્પો દ્વારા તેણે પોતાની આધીનતા દર્શાવી હોય તે વિષે જ્યારે તેના પિતાના સાંભળવામાં આવ્યું હોય, છતાં તેના પિતાએ કંઈ કહ્યું ન હોય, તો તેનો સંકલ્પ કાયમ રહે. જે વચનથી તેણે પોતાને આધીન કરેલી છે તે કાયમ રહે.
૫ પણ તેના પિતા તે વિષે સાંભળીને તે દિવસે જો તેને મનાઈ કરે, તો જે સંકલ્પો તથા વચનો જે વડે તેણે પોતાની આધીનતા દર્શાવેલી છે તે કાયમ રહે. તેના પિતાએ તેને ના પાડી હોવાથી યહોવાહ તેને મુક્ત કરે.
૬ જ્યારે તેણે સંકલ્પો કર્યા હોય અથવા પોતાના હોઠોથી અવિચારી રીતે બોલીને પોતાને આધીન કરી હોય અને જો તે લગ્ન કરે, ૭ અને જો તેનો પતિ તે વિષે સાંભળીને તે દિવસે તેને મના ન કરે, તો તેના સંકલ્પો કાયમ રહે. જે વચન વડે તેણે પોતાને આધીન કરેલી હોય તે કાયમ રહે.
૮ પણ તેનો પતિ તે વિષે સાંભળીને જો તે દિવસે તેને મના કરે, તો જે સંકલ્પ તેણે કર્યા છે, પોતાના હોઠોની અવિચારી વાતોથી તેણે પોતાની આધીનતા દર્શાવી છે, તે રદ કરે. તેથી યહોવાહ તેને મુક્ત કરે.
૯ પણ વિધવા અથવા છૂટાછેડા પામેલી સ્ત્રી માટે, દરેક સંપર્કથી તેણે પોતાની આધીનતા દર્શાવી તે પ્રતિજ્ઞા તેને માટે કાયમ રહે. ૧૦ જો તે સ્ત્રીએ તેના પતિના ઘરમાં સંકલ્પ કર્યો હોય કે, સમથી પોતાને આધીન કરી હોય, ૧૧ તેનો પતિ તે વિષે સાંભળીને તેને કશું કહે નહિ અને જો તે તેનો સંકલ્પ નાબૂદ કરે નહિ, તો તેના બધા સંકલ્પો કાયમ રહે. દરેક વચન જે વડે તેણે પોતાને આધીન કરી હોય તે કાયમ રહે.
૧૨ પણ તેનો પતિ સાંભળે તે દિવસે જો તે નાબૂદ કરે, તો જે સંકલ્પો તથા વચનો તેના વિષે તેના મુખમાંથી નીકળ્યા છે તે કાયમ રહે નહિ. તેના પતિએ તેને નાબૂદ કર્યા છે. યહોવાહ તેને મુક્ત કરે.
૧૩ દરેક સંકલ્પ તથા આત્મકષ્ટ કરવા માટેના તેના બંધનકારક સમને તેનો પતિ માન્ય કે અમાન્ય કરી શકે છે. ૧૪ પરંતુ જો તે તેને દિનપ્રતિદિન કંઈ જ ન કહે, તો જે સંકલ્પો તથા વચનો જે વડે તેણે પોતાને આધીન કરી હોય તે કાયમ રહે. તેણે તે કાયમ રાખ્યા છે કેમ કે તેણે તે સમયે તેને કંઈ જ કહ્યું નહિ કે તેણે તે વિષે સાંભળ્યું છે.
૧૫ પણ જો તેનો પતિ તે વિષે સાંભળીને લાંબા સમય સુધી તેની પત્નીના સંકલ્પ રદ ન કરે, તો તે સ્ત્રીનાં પાપ માટે તે જવાબદાર થશે.” ૧૬ પતિ તથા પત્ની વચ્ચે, તેમ જ પિતા તથા તેના નાનપણમાં તેના ઘરમાં રહેતી તેની દીકરી વચ્ચે યહોવાહે મૂસાને જે કાનૂનો જણાવ્યા તે આ છે.