૧ છઠ્ઠા વર્ષના છઠ્ઠા મહિનાના પાંચમા દિવસે હું મારા ઘરમાં બેઠો હતો. યહૂદિયાના વડીલો મારી આગળ બેઠા હતા ત્યારે ત્યાં પ્રભુ યહોવાહના હાથે મને સ્પર્શ કર્યો. ૨ મેં જોયું, તો જુઓ, મનુષ્ય જેવી પ્રતિમા દેખાઈ, તેની કમરથી નીચેનો ભાગ અગ્નિ જેવો, કમરથી ઉપરનો ભાગ પ્રકાશમય તથા તૃણમણિના તેજ જેવો હતો.
૩ તેણે હાથના જેવો આકાર લંબાવીને મારા માથાના વાળ પકડ્યા પછી આત્માએ મને આકાશ તથા પૃથ્વીની વચ્ચે ઊંચકી લીધો, ઈશ્વરના સંદર્શનમાં તે મને યરુશાલેમમાં પ્રભુઘરના ઉત્તર તરફના અંદરના દરવાજા પાસે લાવ્યો, જ્યાં ઈશ્વરને કોપાયમાન કરે એવી મૂર્તિનું સ્થાન હતું. ૪ ત્યાં ઇઝરાયલના ઈશ્વરનું ગૌરવ દેખાયું, તેનો દેખાવ મેદાનમાં સંદર્શન જોયું હતું તેના જેવો હતો.
૫ ત્યારે તેમણે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, તારી નજર કરીને ઉત્તર તરફ જો.” તેથી મેં મારી નજર ઊંચી કરીને ઉત્તર તરફ જોયું, વેદીના ઉત્તર તરફના પ્રવેશદ્વાર આગળ રોષજનક મૂર્તિ દેખાઈ. ૬ તેથી તેમણે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, તે લોકો શું કરે છે તે તેં જોયું? હું મારા પવિત્રસ્થાનથી દૂર થઈ જાઉં તેથી ઇઝરાયલીઓ જે ધિક્કારપાત્ર કૃત્યો અહીં કરે છે તે તું જુએ છે. પણ તું ફરશે અને આનાથી પણ વધુ અધમ કૃત્યો જોશે.
૭ પછી તે મને આંગણાના દ્વાર પાસે લાવ્યો. અને મેં જોયું, તો ત્યાં દીવાલમાં એક કાણું હતું. ૮ તેમણે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, આ દીવાલમાં ખોદ.” તેથી મેં દીવાલમાં ખોદ્યું તો ત્યાં બારણું હતું! ૯ ત્યારે તેમણે મને કહ્યું, “જા અને તે લોકો જે ધિક્કારપાત્ર કૃત્યો અહીં કરે છે તે જો.”
૧૦ તેથી મેં અંદર જઈને જોયું તો, જુઓ, દરેક જાતનાં પેટે ચાલનારાં સજોવો તથા ઘૃણાજનક જાનવરો તથા ઇઝરાયલ લોકોની સર્વ મૂર્તિઓ દીવાલ પર ચારેબાજુ કોતરેલી હતી. ૧૧ ઇઝરાયલના સિત્તેર વડીલો ત્યાં હતા, શાફાનનો દીકરો યાઝનિયા તેઓની મધ્યે હતો. તેઓ બધા પ્રતિમાની આગળ ઊભા હતા, દરેકના હાથમાં પોતાની ધૂપદાનીઓ હતી જેથી ધૂપના ગોટેગોટા ઉપર ઊડતા હતા અને તેની સુગંધ બધે પ્રસરતી હતી.
૧૨ પછી તેમણે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, તેં જોયું કે ઇઝરાયલીઓના દરેક વડીલો અહીં અંઘારામાં પોતાની મૂર્તિવાળી ઓરડીઓમાં શું કરે છે? કેમ કે તેઓ કહે છે કે, 'યહોવાહ અમને જોતા નથી. યહોવાહે દેશને તજી દીધો છે.'” ૧૩ અને તેમણે મને કહ્યું, “તું ફરીને જોઈશ કે તેઓ આના કરતાં પણ વધુ ધિક્કારપાત્ર કૃત્યો કરે છે.”
૧૪ ત્યાર પછી તે મને યહોવાહના સભાસ્થાનના ઉત્તર તરફના દરવાજા પાસે લાવ્યા, અને જુઓ, ત્યાં સ્ત્રીઓ તામ્મૂઝ (અક્કાદી પ્રજાનો દેવ) માટે રડતી બેઠેલી હતી. ૧૫ તેથી તેમણે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, શું તેં આ જોયું છે? પાછો ફરીને તું આના કરતાં વધારે ધિક્કારપાત્ર કૃત્યો તું જોશે.”
૧૬ પછી તે મને યહોવાહના સભાસ્થાનના અંદરના આંગણામાં લાવ્યો, તો જુઓ, ત્યાં યહોવાહના સભાસ્થાનના પ્રવેશદ્વાર આગળ, પરસાળ તથા વેદીની વચ્ચે આશરે પચીસ માણસો યહોવાહના સભાસ્થાનની તરફ પીઠ ફેરવીને તથા તેઓનાં મુખ પૂર્વ તરફ કરીને સૂરજની પૂજા કરતા હતા.
૧૭ તેમણે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, શું તેં આ જોયું? જે ધિક્કારપાત્ર કૃત્યો યહૂદિયાના લોકો અહીં કરે છે તે નાની બાબત છે? કેમ કે તેઓએ સમગ્ર દેશને હિંસાથી ભરી દીધો છે, તેઓ નાકે ડાળી અડકાડીને મને વધુ ગુસ્સે કરે છે. ૧૮ તેથી કોપાયમાન થઈને હું પણ તેઓને શિક્ષા કરીશ. મારી આંખો તેઓના પર દયા કરશે નહિ તેમ જ હું તેઓને છોડીશ નહિ. તેઓ મોટા અવાજે મારા કાનમાં પોકારશે પણ હું તેઓનું સાંભળીશ નહિ.”