૧૪૪
૧ યહોવાહ મારો ખડક છે, તેમની સ્તુતિ કરો,
તે મારા હાથને
અને મારી આંગળીઓને યુદ્ધમાં લડતાં શીખવે છે.
૨ તમે મારા કૃપાનિધિ, મારો ગઢ,
મારો ઊંચો કિલ્લો તથા મારા બચાવનાર છો,
તમે મારી ઢાલ તથા જેમના પર મારો ભરોસો છે તે તમે જ છો,
તમે મારા લોકોને મારે તાબે કરો છો.
૩ હે યહોવાહ, માણસ તે શા લેખામાં છે કે, તમે તેની કાળજી રાખો છો
અથવા માણસનો દીકરો કોણ કે તેના વિષે તમે વિચારો છો?
૪ માણસ તો શ્વાસ જેવું છે;
તેના દિવસો સરી જતી છાયા જેવા છે.
૫ હે યહોવાહ, તમારાં આકાશોને નીચે નમાવીને ઊતરી આવો;
પર્વતોને સ્પર્શ કરો, એટલે તેઓ ધુમાડો કાઢશે.
૬ વીજળી ચમકાવો અને મારા શત્રુઓને વિખેરી નાખો;
તમારાં બાણ છોડીને તેઓને હરાવી દો.
૭ ઉપરથી તમારા હાથ લંબાવો;
ઘણા પાણીમાંથી મારો છુટકારો કરો
વિદેશીઓના હાથમાંથી મને બચાવો.
૮ તેઓનાં મુખ જૂઠું બોલે છે
અને તેઓનો જમણો હાથ તો જૂઠનો હાથ છે.
૯ હે ઈશ્વર, હું તમારે માટે નવું ગીત ગાઈશ;
દશ તારવાળાં વાજિંત્ર સાથે હું તમારી સમક્ષ નવું ગીત ગાઈશ.
૧૦ તમે રાજાઓને તારણ આપો છો;
તમે તમારા સેવક દાઉદને ઘાતકી તરવારથી બચાવ્યો.
૧૧ મને છોડાવો અને મને આ વિદેશીઓના હાથમાંથી મુક્ત કરો
તેઓનું મુખ મિથ્યા બોલે છે
તેઓના જમણા હાથો કપટના હાથો છે.
 
૧૨ અમારા પુત્રો પોતાની યુવાવસ્થામાં વધેલા રોપા જેવા થાઓ;
અને અમારી પુત્રીઓ રાજમહેલની શણગારેલી ખૂણાની થાંભલીઓ જેવી થાઓ.
૧૩ અમારી વખારો વિવિધ જાતનાં બધાં અનાજથી ભરપૂર થાઓ;
અને અમારાં ઘેટાં અમારા વાડાઓમાં હજારો અને દશ હજારો બચ્ચાંને જન્મ આપનારાં થાઓ.
૧૪ અમારા બળદો ખેતરોની પેદાશથી લાદેલા થાઓ;
ગાબડું પાડનાર કોઈ પણ ન થાઓ; નાસી છૂટનાર કોઈ ન હો
અને શેરીઓમાં કોઈ બૂમ ન પડો.
૧૫ જે લોકો આવા હોય છે તેઓ આશીર્વાદિત હોય છે;
જેઓનો ઈશ્વર યહોવાહ છે તેઓ આનંદિત છે.