૮
૧ હે યહોવાહ, અમારા પ્રભુ, આખી પૃથ્વી પર તમારું નામ કેવું ભવ્ય છે!
તમે આકાશમાં પોતાનો મહિમા મૂક્યો છે.
૨ તમારા શત્રુઓને કારણે,
તમે બાળકોને તથા દૂધ પીતાં બાળકોને મુખે તમારો મહિમા પ્રગટ કર્યો છે કે,
શત્રુને તથા વેરીને તમે શાંત પાડો.
૩ આકાશો, જે તમારા હાથનાં કૃત્યો છે,
ચંદ્ર તથા તારાઓ, જેઓને તમે ઠરાવ્યા છે, તેઓ વિષે હું જ્યારે વિચાર કરું છું,
૪ ત્યારે હું કહું છું કે, માણસ તે કોણ છે કે, તમે તેનું સ્મરણ કરો છો?
અને મનુષ્યપુત્ર કોણ કે, તમે તેની મુલાકાત લો છો?
૫ કારણ કે તમે તેને ઈશ્વર કરતાં થોડો જ ઊતરતો બનાવ્યો છે
અને તમે તેના માથા પર મહિમા તથા માનનો મુગટ મૂક્યો છે.
૬ તમારા હાથનાં કામ પર તમે તેને અધિકાર આપ્યો છે;
તેના પગ નીચે તમે બધું મૂક્યું છે:
૭ સર્વ ઘેટાં અને બળદો
અને વન્ય પશુઓ,
૮ આકાશનાં પક્ષીઓ તથા સમુદ્રનાં માછલાં,
હા, સમુદ્રના રસ્તામાંથી જે પસાર થાય છે તે બધું તમે તેની સત્તા નીચે મૂક્યું છે.
૯ હે યહોવાહ, અમારા પ્રભુ,
આખી પૃથ્વીમાં તમારું નામ કેવું ભવ્ય છે!