૫
૧ લોકોની સાથે વાત કર્યા પછી મૂસા અને હારુને મિસરના રાજા ફારુન પાસે આવીને તેને કહ્યું, “ઇઝરાયલના ઈશ્વર યહોવા કહે છે, 'મારા લોકોને મારે માટે પર્વ પાળવા સારુ અરણ્યમાં જવા દે.'” ૨ પરંતુ ફારુને કહ્યું, “યહોવા તે વળી કોણ છે કે હું તેની સૂચના માનીને ઇઝરાયલીઓને જવા દઉં? તમે જેને ઈશ્વર માનો છો, તેને હું ઓળખતો નથી, વળી હું ઇઝરાયલીઓને જવા દેવાની પણ ના પાડું છું.”
૩ ત્યારે હારુન અને મૂસાએ કહ્યું, “હિબ્રૂઓના ઈશ્વરે અમને લોકોને દર્શન આપ્યું છે. અમારા ઈશ્વરનું ભજન કરવા માટે તું અમને અરણ્યમાં ત્રણ દિવસનો પ્રવાસ કરવા જવા દે, ત્યાં અમે યહોવાહને યજ્ઞાર્પણ કરીશું. જો અમને નહિ જવા દે તો ઈશ્વર તરફથી દેશ પર મરકી અને તરવારરૂપી આફત આવી પડશે.” ૪ પરંતુ મિસરના રાજાએ તેઓને કહ્યું કે, “હે મૂસા અને હારુન, તમે લોકોના કામમાં કેમ અડચણરૂપ થાઓ છો? તમે તમારું કામ કરો અને લોકોને તેમનું કામ કરવા દો.” ૫ વળી તેણે કહ્યું, “હમણાં આપણા દેશમાં હિબ્રૂ લોકોની સંખ્યા વધી ગઈ છે અને તમે તે લોકોને કામ કરતાં અટકાવવા માગો છો.”
૬ તે જ દિવસે ફારુને ઇઝરાયલી લોકો પાસે સખત કામ કરાવવા માટે મુકાદમોને આદેશ આપ્યો કે, ૭ “હવે તમારે ઈંટો પાડવા માટે લોકોને પરાળ આપવું નહિ; તેઓ જાતે પરાળ લઈ આવે. ૮ વળી ધ્યાન રાખજો કે, અત્યાર સુધી તેઓ જેટલી ઈંટો બનાવતા આવ્યા છે એમાં ઘટાડો થવો જોઈએ નહિ. હવે એ લોકો આળસુ થઈ ગયા છે. તેથી બૂમો પાડે છે કે, અમને અમારા ઈશ્વરને યજ્ઞો કરવા જવા દો. ૯ તેઓને સતત એટલા બધા કામમાં રોકી રાખો કે પછી તેઓની પાસે મૂસાની જૂઠી વાતો સાંભળવાનો સમય જ રહે નહિ.”
૧૦ તેથી એ લોકોના મુકાદમોએ તેઓને જણાવ્યું કે, “ફારુને નિર્ણય કર્યો છે કે, તે ઈંટો પાડવા માટે તે તમને પરાળ નહિ આપે. ૧૧ તમારે જાતે જ તમારા કામ માટે પરાળ ભેગું કરી લાવવું પડશે. તેથી જાઓ, પરાળ ભેગું કરો. તોપણ તમારે બનાવવાની ઈંટોની સંખ્યાનું પ્રમાણ તો એટલું જ રહેશે. તે ઓછું કરવામાં નહિ આવે.”
૧૨ આથી લોકો પરાળ ભેગું કરવા માટે આખા મિસરમાં ફરી વળ્યા. ૧૩ મુકાદમો ધમકી આપતા જ રહ્યા કે, “અગાઉ પરાળ મળતું હતું ત્યારે રોજનું જેટલું કામ કરતા હતા તેટલું જ કામ તમારે પૂરું કરવું પડશે.” ૧૪ ફારુનના મુકાદમોએ ઇઝરાયલીઓ પર દેખરેખ માટે જે ઉપરીઓને નિયુક્ત કર્યા હતા તેઓને ખૂબ માર મારીને પૂછવામાં આવતું હતું કે, “જેટલી ઈંટો અત્યાર સુધી તમે પાડતા હતા તેટલાં પ્રમાણમાં અગાઉની માફક કેમ પૂરી કરતા નથી?”
૧૫ એટલે ઇઝરાયલીઓના ઉપરીઓ ફારુનની સમક્ષ આવીને આર્તનાદ કરવા લાગ્યા, “તમે તમારા સેવકો સાથે આવો વર્તાવ કેમ રાખો છો? ૧૬ હવે અમને પરાળ આપવામાં આવતું નથી તેમ છતાં અમને કહેવામાં આવે છે કે પૂરતી ઈંટો પાડો; જરા જુઓ તો ખરા, અમને કેવો ત્રાસ આપવામાં આવે છે! ખરેખર, વાંક તો તમારા ઉપરીઓનો જ છે.” ૧૭ ત્યારે ફારુને તેઓને ધમકાવ્યા, “તમે લોકો આળસુ થઈ ગયા છો, તેથી કહો છો કે અમને યહોવાહના યજ્ઞો કરવા જવા દો. ૧૮ હવે જાઓ, કામે લાગી જાઓ, તમને પરાળ પૂરું પાડવામાં નહિ આવે; અને ઈંટોની સંખ્યા તો નક્કી કરેલ પ્રમાણે તમારે પૂરી કરવી જ પડશે.”
૧૯ ઇઝરાયલી ઉપરીઓના ધ્યાનમાં આવ્યું કે હવે તેઓની સ્થિતિ કફોડી થવાની છે. કારણ કે તેઓ હવે અગાઉના જેટલી ઈંટો તૈયાર કરાવી શકતા નથી. ૨૦ અને પછી ફારુનની પાસેથી તેઓ પાછા આવ્યા ત્યારે રસ્તામાં ઊભેલા મૂસા અને હારુન તેઓને સામા મળ્યા. ૨૧ તેઓએ મૂસા અને હારુનને કહ્યું, “તમે શું કર્યુ છે એ યહોવા ધ્યાનમાં લે અને તમને શિક્ષા કરે. કારણ તમે અમને ફારુનની અને તેના સેવકોની નજરમાં તિરસ્કૃત બનાવી દીઘા છે; અને તેઓ અમને મારી નાખે તે માટે જાણે તમે તેઓના હાથમાં તલવાર આપી છે!”
૨૨ ત્યારે મૂસાએ યહોવાહને પ્રાર્થના કરી, “હે પ્રભુ યહોવા, તમે આ લોકોની આવી ખરાબ હાલત શા માટે કરી? વળી તમે મને શા માટે મોકલ્યો છે? ૨૩ હે પ્રભુ, હું તમારા નામે ફારુન સાથે વાત કરવા ગયો ત્યારથી તેણે આ લોકોનું અહિત કરવા માંડ્યું છે અને તમે તમારા લોકોને બચાવવા માટે કશું કરતા નથી.”