૯
૧ દાઉદે પૂછ્યું કે, “શું હજી શાઉલના ઘરનું કોઈ બચી રહ્યું છે. કે હું તેના પર યોનાથાનને લીધે દયા બતાવું?” ૨ ત્યાં શાઉલના કુટુંબનો સીબા નામે એક ચાકર હતો. તેઓ તેને દાઉદ પાસે બોલાવી લાવ્યા. રાજાએ તેને કહ્યું કે, “શું તું સીબા છે?” તેણે કહ્યું કે, “હા. હું તમારો દાસ છું.”
૩ તેથી રાજાએ કહ્યું કે, “શાઉલના કુટુંબનું હજી કોઈ રહ્યું છે કે જેઓનાં પર હું ઈશ્વરની દયા દર્શાવું?” સીબાએ રાજાને કહ્યું કે, “યોનાથાનનો એક દીકરો મફીબોશેથ હયાત છે, જે પગે અપંગ છે.” ૪ રાજાએ તેને કહ્યું કે, “તે ક્યાં છે?” સીબાએ રાજાને જવાબ આપ્યો કે, “લો-દબારમાં આમિયેલના દીકરા માખીરના ઘરમાં તે છે.” ૫ પછી દાઉદ રાજાએ માણસ મોકલી તેને લો-દબારથી આમિયેલના દીકરા માખીરને ઘરેથી તેડી મંગાવ્યો. ૬ તેથી શાઉલના દીકરા યોનાથાનના દીકરા મફીબોશેથે દાઉદ પાસે આવીને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યા. દાઉદે કહ્યું, “મફીબોશેથ.” તેણે ઉત્તર આપ્યો કે, “જુઓ હું તમારો ચાકર છું!”
૭ દાઉદે તેને કહ્યું, “બીશ નહિ, કેમ કે તારા પિતા યોનાથાનની ખાતર હું નિશ્ચે તારા પર દયા દર્શાવીશ, તારા દાદા શાઉલની તમામ સંપત્તિ હું તને પાછી આપીશ, તું હંમેશાં મારી સાથે મેજ પર ભોજન કરશે.” ૮ મફીબોશેથે નમન કરીને કહ્યું, “આ દાસ કોણ છે, કે મૂએલા શ્વાન જેવા મારા પર તું કૃપા દર્શાવે?”
૯ પછી રાજાએ શાઉલના ચાકર સીબાને બોલાવીને તેને કહ્યું, “મેં તારા માલિકના દીકરાને શાઉલની તથા તેના કુટુંબની સર્વ સંપત્તિ આપી છે. ૧૦ તારે, તારા દીકરાઓએ તથા તારા દાસોએ તે ભૂમિ ખેડવી અને તેની ફસલનો પાક તારે લાવવો કે તારા માલિકના દીકરાનું ગુજરાન ચાલે. પણ તારા યોનાથાનનો દીકરો મફીબોશેથ તો હંમેશાં મારી મેજ પર ભોજન કરશે.” સીબાને પંદર દીકરા તથા વીસ ચાકરો હતા.
૧૧ ત્યારે સીબાએ રાજાને કહ્યું, “મારા માલિક રાજાએ મને જે સર્વ આજ્ઞાઓ આપી છે તે પ્રમાણે હું તારો દાસ વર્તીશ.” રાજાએ કહ્યું, “મફીબોશેથ રાજાઓના દીકરા સમાન મારી મેજ પર જમશે.” ૧૨ મફીબોશેથને મીખા નામે એક નાનો દીકરો હતો. અને સીબાના ઘરમાં જેઓ રહેતા તે બધા મફીબોશેથના દાસો હતા. ૧૩ મફીબોશેથ યરુશાલેમમાં રહેતો હતો, તે હંમેશાં રાજાની મેજ પર જમતો હતો, તે બન્ને પગે અપંગ હતો.