15
સામસૂન દ્વારા દુશ્મનોનો સંહાર
1 થોડા સમય પછી ધઉની કાપણીની ઋતુમાં સામસૂન પોતાની પત્નીને મળવા ગયો અને સાથે તેને માંટે એક લવારું લેતો ગયો. તેણે પત્નીના પિતાને કહ્યું, “માંરે માંરી પત્નીના ઓરડામાં જવું છે.”
2 તેણે સ્પષ્ટ રીતે કહ્યું, “મને જાણવા મળ્યું છે કે તું તેને જરાય પસંદ કરતો નથી અને ચાહતો નથી. તેથી મેં તેને તારા મિત્ર સાથે પરણાવી દીધી. પણ એની નાની બહેન એના કરતાંય વધુ સારી છે, એને બદલે તું તેને લઈ જા.”
3 પણ સામસૂને ગુસ્સામાં મોટે સાદે કહ્યું, “હવે આ વખતે જો હું પલિસ્તીઓને નુકસાન કરું તો કોઈ માંરો વાંક કાઢી શકે તેમ નથી.”
4 આથી તેણે ત્રણસો શિયાળો અને મશાલો લીધી. અને બે શિયાળોની પૂંછડી એક બીજા સાથે બાંધી અને દરેકની વચમાં એક મશાલ ખોસી દીધી 5 પછી તેણે મશાલો સળગાવી અને શિયાળોને પલિસ્તીઓના અનાજના કોઠાર તથા ખેતરો સળગાવી મૂકવા છૂટાં મૂકી દીધાં. તેઓએ જૈતૂનની અને દ્રાક્ષની વાડીઓ પણ બાળી મૂકી.
6 પલિસ્તીઓએ પૂછયું, “આ કોણે કર્યું?”
તેથી તેઓને કહેવામાં આવ્યું, “સામસૂને, કારણ કે તેની થનાર પત્નીના પિતા તિમ્નીએ તેને બીજા પુરુષ સાથે પરણાવી દીધી.” પછી પલિસ્તીઓએ જઈને પુત્રી અને તેના પિતાને પકડયાં અને તેઓના ઘરમાં જીવતાં સળગાવી મૂકયાં.
7 સામસૂને તેઓને કહ્યું, “જો તમે આ રીતે વર્તશો તો હું ચોક્કસ કહું છું કે, હું બદલો લીધા વિના છોડવાનો નથી,”
8 તેણે તેઓના ઉપર તેની પૂરી તાકાતથી હુમલો કર્યો અને સર્વેને માંરી નાખ્યા. પછી તે એટામની ખડકની ગુફામાં જઈને રહેવા લાગ્યો.
9 પલિસ્તીઓએ આવીને યહૂદામાં સૈન્યની ટુકડી મોકલી આપી અને લેહી ઉપર છાપો માંર્યો. 10 યહૂદાના કુળસમૂહે તેને પૂછયું, “તમે અહીં શા માંટે અમાંરી સાથે લડવા આવ્યા છો?”
પલિસ્તીઓએ કહ્યું, “અમે સામસૂનની ધરપકડ કરવા અને તેણે અમાંરી ઉપર જે કર્યુ છે, તે તેની પર કરવા આવ્યા છીએ.”
11 તેથી યહૂદાના કુળસમૂહમાંથી ત્રણહજાર માંણસો “એટામ”ના ખડકની ગુફા આગળ ગયા સામસૂનને મળ્યા અને કહ્યું, “તને એટલી ખબર નથી કે અમે પલિસ્તીઓના તાબેદાર છીએ? તે અમને કેવી કફોડી સ્થિતિમાં મૂકી દીધા?”
તેણે કહ્યું, “મેં તેઓ સાથે એવોજ વર્તાવ કર્યો, જેવો વર્તાવ તેઓએ માંરી સાથે કર્યો હતો.”
12 તેઓએ તેને કહ્યું, “અમે તને પકડીને પલિસ્તીઓ પાસે લઈ જવા માંટે આવ્યા છીએ.”
સામસૂને કહ્યું, “સારું પણ મને વચન આપો કે તમે પોતે મને માંરી નહિ નાખો.”
13 તેમણે કહ્યું, “અમે તને માંરી નહિ નાખીએ, અમે તો ફકત તને બાંધીને તે લોકોને સોંપી દઈશું.” પછી તેમણે તેને બે નવાં દોરડાં વડે બાંધ્યો અને ગુફામાંથી પાછો લાવ્યા.
14 સામસૂન જયારે લેહી પહોચ્યો ત્યારે પલિસ્તીઓ જયનાદ કરતાં કરતાં એની સામે આવ્યા. પરંતુ યહોવાના આત્માંએ સામસૂનમાં સંચાર કર્યો અને તેને હાથે બાંધેલાં દોરડાં શણની લટ હોય તેમ તોડી નાખ્યાં. 15 તેણે ત્યાં જમીન પર પડેલું ગધેડાનું જડબું ઉપાડયું અને તેના વડે એકહજાર માંણસોને માંરી નાખ્યાં.
16 તેણે બોલવાનું ચાલુ રાખ્યું,
“ગધેડાના જડબાના હાડકા વડે
મેં એક હજાર માંણસોનો સંહાર કર્યો છે.
ગધેડાના જડબાના હાડકા વડે
મેં તેઓના માંણસોને માંરી નાખ્યા અને તેઓને થપ્પી કરી મૂકી દીધા.”
17 એમ કહીને તેણે તે ગધેડાના જડબાનું હાડકું ફેંકી દીધું અને તે જગ્યાનું નામ રામાંથ લેહી* રામાથ લેહી સ્થળનું નામ છે. અર્થ “જડબાના હાડકાનો પર્વત.” રાખ્યું.
18 તેને ખૂબ તરસ લાગી હતી તેથી તેણે યહોવાને પોકાર કરીને કહ્યું, “તમે તમાંરા આ સેવકને આ વિજય અપાવ્યો છે, તો શું માંરે હવે તરસ્યા મરી જવું અને સુન્નત કર્યા વગરના લોકોના તાબામાં જવું?”
19 ત્યારે દેવ ત્યાં લેહીની ધરતીમાં એક ખાડો પાડયો, અને તેમાંથી એકદમ પાણી બહાર આવ્યું, તે પીધા પછી સામસૂન તાજો થયો અને તે જગ્યાનું નામ તેણે એન-હાક્કોરે† એન-હાક્કોરે હાંક મારનારનું ઝરણું. પાડયું, આજે પણ એ ઝરણું લેહીમાં છે.
20 પલિસ્તીઓના સમયમાં સામસૂને પછી વીસ વર્ષ સુધી ઈસ્રાએલનો ન્યાય કર્યો.