૩
૧ તેની સાસુ નાઓમીએ તેને કહ્યું, “મારી દીકરી, તારા આશ્રય માટે મારે શું કોઈ ઘર શોધવું નહિ કે જેથી તારુ ભલું થાય? ૨ અને હવે બોઆઝ, જેની જુવાન સ્ત્રી કાર્યકરો સાથે તું હતી, તે શું આપણો નજીકનો સંબંધી નથી? જો, તે આજ રાત્રે ખળીમાં જવ ઊપણશે.
૩ માટે તું, તૈયાર થા; નાહીધોઈને, અત્તર ચોળીને, સારાં વસ્ત્રો પહેરીને તું ખળીમાં જા. પણ તે માણસ ખાઈ પી રહે ત્યાં સુધી તે માણસને તારી હાજરીની ખબર પડવા દઈશ નહિ. ૪ અને જયારે તે સૂઈ જાય, ત્યારે જે જગ્યાએ તે સૂએ છે તે જગ્યા તું ધ્યાનમાં રાખજે કે જેથી ત્યાર બાદ તેની પાસે જઈ શકે. પછી અંદર જઈને તેના પગ ખુલ્લાં કરીને તું સૂઈ જજે. પછી તે તને જણાવશે કે તારે શું કરવું. ૫ અને રૂથે નાઓમીને કહ્યું, “જે તેં કહ્યું, તે બધું હું કરીશ.”
૬ પછી તે ખળીમાં ગઈ. તેની સાસુએ તેને જે સૂચનો આપ્યાં હતા, તે પ્રમાણે તેણે કર્યું. ૭ જયારે બોઆઝે ખાઈ પી લીધું અને તેનું હૃદય મગ્ન થયું ત્યારે અનાજના ઢગલાની કિનારીએ જઈને તે સૂઈ ગયો. રૂથ ધીમેથી ત્યાં આવી. તેના પગ ખુલ્લાં કર્યા અને તે સૂઈ ગઈ.
૮ લગભગ મધરાત થવા આવી અને તે માણસ ચમકી ઊઠ્યો, તેણે પડખું ફેરવ્યું અને ત્યાં એક સ્ત્રીને તેના પગ આગળ સૂતેલી જોઈ! ૯ તેણે તેને કહ્યું, “તું કોણ છે?” રૂથે ઉત્તર આપ્યો, “હું તમારી દાસી રૂથ છું. તમારું વસ્ત્ર લંબાવીને આ તમારી દાસી પર ઓઢાડો, કેમ કે તમે છોડાવનાર સંબંધી છો.”
૧૦ તેણે કહ્યું, “મારી દીકરી, તું ઈશ્વરથી આશીર્વાદિત થા. અગાઉ કરતાં પણ તેં વધારે માયા દર્શાવી છે. તેં કોઈ પણ, ગરીબ કે ધનવાન જુવાનની પાછળ જવાનું વર્તન કર્યું નથી. ૧૧ હવે, મારી દીકરી, બીશ નહિ. તેં જે કહ્યું છે તે બધું હું તારા સંબંધમાં કરીશ, કેમ કે મારા લોકોનું આખું નગર જાણે છે કે તું સદગુણી સ્ત્રી છે.
૧૨ જોકે તેં સાચું કહ્યું છે કે હું નજીકનો સંબંધી છું; તોપણ મારા કરતાં વધારે નજીકનો એક સંબંધી છે. ૧૩ આજ રાત અહીંયાં રહી જા. અને સવારમાં જો તે પોતાની ફરજ બજાવે તો સારું, ભલે તે નજીકના સગાં તરીકેની પોતાની ફરજ બજાવે. પણ જો તે સગાં તરીકે તારા પ્રત્યેની પોતાની જવાબદારી અદા નહિ કરે તો પછી, ઈશ્વરની સમક્ષતામાં હું પ્રતિજ્ઞા કરું છું કે, નજીકના સગા તરીકેની તારા પ્રત્યેની ફરજ હું બજાવીશ. સવાર સુધી સૂઈ રહે.”
૧૪ સવાર સુધી રૂથ તેના પગ પાસે સૂઈ રહી. પરોઢિયું થાય તે પહેલાં ઊઠી ગઈ. કેમ કે તેણે કહ્યું હતું કે, “કોઈને જાણ થવી ના જોઈએ કે કોઈ સ્ત્રી ખળીમાં આવી હતી.” ૧૫ બોઆઝે કહ્યું, “તારા અંગ પરની ઓઢણી ઉતારીને લંબાવ. “તેણે તે લંબાવીને પાથર્યું. ત્યારે બોઆઝે છ મોટા માપથી માપીને જવ આપ્યાં અને પોટલી તેના માથા પર મૂકી. પછી તે નગરમાં ગઈ. ૧૬ જયારે તેની સાસુ પાસે તે આવી ત્યારે તેણે પૂછ્યું, “મારી દીકરી, ત્યાં શું થયું?” ત્યારે તે માણસે તેની સાથે જે વ્યવહાર કર્યો હતો તે વિષે રૂથે તેને જણાવ્યું. ૧૭ વળી 'તારી સાસુ પાસે ખાલી હાથે ના જા.' એવું કહીને છ મોટા માપથી માપીને આ જવ મને આપ્યાં.” ૧૮ ત્યારે નાઓમીએ કહ્યું, “મારી દીકરી, આ બાબતનું પરિણામ શું આવે છે તે તને જણાય નહિ ત્યાં સુધી અહીં જ રહે, કેમ કે આજે તે માણસ આ કાર્ય પૂરું કર્યા વિના રહેશે નહિ.”