Hosea
હોશિયા
૧
૧ યહૂદિયાના રાજાઓ ઉઝિયા, યોથામ, આહાઝ તથા હિઝકયા તથા ઇઝરાયલના રાજા યોઆશના દીકરા યરોબામના શાસન દરમ્યાન બસેરીના દીકરા હોશિયાની પાસે યહોવાહનું વચન આવ્યું તે આ છે: ૨ જ્યારે યહોવાહ પ્રથમ વખત હોશિયા મારફતે બોલ્યા, ત્યારે તેમણે તેને કહ્યું,
“જા, ગણિકા સાથે લગ્ન કર.
તેને બાળકો થશે અને તેને પોતાનાં કરી લે.
કેમ કે મને તજીને
દેશ વ્યભિચારનું મોટું પાપ કરે છે.”
૩ તેથી હોશિયાએ જઈને દિબ્લાઈમની દીકરી ગોમેર સાથે લગ્ન કર્યાં. તે ગર્ભવતી થઈ અને તેણે દીકરાને જન્મ આપ્યો. ૪ યહોવાહે હોશિયાને કહ્યું,
“તેનું નામ યિઝ્રએલ રાખ.
કેમ કે થોડા જ સમયમાં
યિઝ્રએલના લોહીના બદલા માટે
હું યેહૂના કુટુંબનો નાશ કરીશ,
હું ઇઝરાયલના રાજ્યનો
અંત લાવીશ.
૫ તે દિવસે એવું થશે કે
હું ઇઝરાયલનું ધનુષ્ય
યિઝ્રએલની ખીણમાં ભાગી નાખીશ.”
૬ ગોમેર ફરીથી ગર્ભવતી થઈ અને દીકરીને જન્મ આપ્યો. યહોવાહે હોશિયાને કહ્યું, “
તેનું નામ લો-રૂહામા પાડ,
કેમ કે હવે પછી હું કદી
ઇઝરાયલ લોકો પર દયા રાખીશ નહિ
તેઓને કદી માફ કરીશ નહિ.
૭ પરંતુ હું યહૂદિયાના લોકો પર દયા કરીશ,
યહોવાહ તેમનો ઈશ્વર થઈને હું તેઓનો ઉદ્ધાર કરીશ.
ધનુષ્ય, તલવાર, યુદ્ધ, ઘોડા કે ઘોડેસવારોથી
હું તેઓનો ઉદ્ધાર નહિ કરું.
૮ લો-રૂહામાને સ્તનપાન છોડાવ્યા પછી ગોમેર ફરીથી ગર્ભવતી થઈ અને તેણે દીકરાને જન્મ આપ્યો. ૯ ત્યારે યહોવાહે કહ્યું,
“તેનું નામ લો-આમ્મી પાડ,
કેમ કે તમે મારા લોકો નથી,
હું તમારો ઈશ્વર નથી.”
૧૦ તોપણ ઇઝરાયલ લોકોની સંખ્યા
સમુદ્રની રેતી જેટલી થશે,
જે ન તો માપી શકાશે કે ન ગણી શકાશે.
તેઓને એવું કહેવામાં આવ્યું હતું કે, “તમે મારા લોકો નથી,”
તેને બદલે એવું કહેવામાં આવશે કે, “તમે જીવંત ઈશ્વરના લોકો છો.”
૧૧ યહૂદિયાના લોકો તથા ઇઝરાયલના લોકો
એકત્ર થશે.
તેઓ પોતાના માટે એક આગેવાન નીમીને,
દેશમાંથી ચાલી નીકળશે,
કેમ કે યિઝ્રએલનો દિવસ મોટો થશે.