Zephaniah
સફન્યા
૧
૧ યહૂદિયાના રાજાની, એટલે આમોનના દીકરા યોશિયાની કારકિર્દીમાં, હિઝકિયાના દીકરા અમાર્યાના દીકરા ગદાલ્યાના દીકરા કૂશીના દીકરા સફાન્યા પાસે આ પ્રમાણે યહોવાહનું વચન આવ્યું.
૨ યહોવાહ કહે છે કે, “હું આ પૃથ્વીની સપાટી પરથી સર્વ વસ્તુનો સંપૂર્ણ નાશ કરીશ.
૩ હું માણસ તથા પશુઓનો નાશ કરીશ. હું આકાશનાં પક્ષીઓને તથા સમુદ્રની માછલીઓને પણ નષ્ટ કરીશ.
અને દુષ્ટોની સાથે ઠોકર ખવડાવનારી વસ્તુઓનો પણ વિનાશ કરીશ.
કેમ કે પૃથ્વીની સપાટી પરથી હું માણસનો નાશ કરીશ,” એવું યહોવાહ કહે છે.
૪ “હું મારો હાથ યહૂદિયા તથા યરુશાલેમના બધા રહેવાસીઓ પર લંબાવીશ,
અને હું આ જગ્યાએથી બઆલના શેષનો તથા વ્યભિચારીઓના નામનો તથા યાજકોનો અંત લાવીશ.
૫ તેઓ ઘરની અગાશી પર જઈને આકાશના સૈન્યની ભક્તિ કરે છે,
યહોવાહની સેવા કરનારાઓ અને સમ ખાનારાઓ છતાં માલ્કામને નામે પણ સમ ખાય છે તેઓનો,
૬ જે લોકો યહોવાહને અનુસરવાથી પાછા ફર્યા છે, જેઓ મને શોધતા કે મારી સલાહ લેતા નથી તેઓનો હું નાશ કરીશ.”
૭ પ્રભુ યહોવાહની સંમુખ શાંત રહો, કેમ કે યહોવાહનો દિવસ પાસે છે;
યહોવાહે યજ્ઞ તૈયાર કર્યો છે તથા પોતાના અતિથિઓને પવિત્ર કર્યાં છે.
૮ “યહોવાહના યજ્ઞના દિવસે એવું થશે કે,
હું અમલદારોને, રાજકુમારોને,
તેમ જ જેઓએ પરદેશી વસ્ત્રો પહરેલાં હશે તે દરેકને શિક્ષા કરીશ.
૯ જેઓ ઉંબરો કૂદી જઈને,
પોતાના માલિકનું ઘર હિંસાથી અને છેતરપિંડીથી ભરે છે તે સર્વને હું તે દિવસે શિક્ષા કરીશ.”
૧૦ યહોવાહ કહે છે કે,
“તે દિવસે મચ્છી દરવાજેથી આપત્તિના પોકાર થશે, બીજા મહોલ્લામાં રુદન થશે,
અને ડુંગરોમાંથી મોટા કડાકા સંભળાશે.
૧૧ માખ્તેશના રહેવાસીઓ વિલાપ કરો,
કેમ કે બધા વેપારીઓ નાશ પામ્યા છે; ચાંદીથી લદાયેલા સર્વનો નાશ થશે.
૧૨ તે સમયે એવું થશે કે,
જેઓ પોતાના દ્રાક્ષારસમાં સ્થિર થયા હશે અને પોતાના મનમાં કહેશે કે,
'યહોવાહ અમારું કશું ખરાબ કે ભલું નહિ કરે' એવું માનનારા માણસોને,
તે વખતે હું દીવો લઈને યરુશાલેમમાંથી શોધી કાઢીશ અને શિક્ષા કરીશ.
૧૩ તેમનું ધન લૂંટાઈ જશે, તેમનાં ઘરોનો નાશ થશે!
તેઓ ઘરો બાંધશે પણ તેમાં રહેવા પામશે નહિ, દ્રાક્ષાવાડીઓ રોપશે પણ તેનો દ્રાક્ષારસ પીવા પામશે નહિ!
૧૪ યહોવાહનો મહાન દિવસ નજીક છે તે નજીક છે અને બહુ ઝડપથી આવે છે.
યહોવાહના દિવસનો સાદ સંભળાય છે, તે વખતે યોદ્ધાઓ પોક મૂકીને રડે છે.
૧૫ તે દિવસ કોપનો દિવસ, દુ:ખ તથા સંકટનો દિવસ,
વિનાશનો તથા આફતનો દિવસ, અંધકાર તથા ધૂંધળાપણાનો દિવસ,
વાદળો તથા અંધકારનો દિવસ,
૧૬ કોટવાળાં નગરો વિરુદ્ધ તથા ઊંચા બુરજો
વિરુદ્ધ રણશિંગડાનો તથા ભયસૂચક નાદનો દિવસ છે.
૧૭ કેમ કે હું માણસો ઉપર એવી આપત્તિ લાવીશ કે, તેઓ દ્રષ્ટિહીન માણસની જેમ ચાલશે,
કેમ કે તેઓએ યહોવાહની વિરુદ્ધ પાપ કર્યુ છે.
તેઓનું લોહી ધૂળની માફક વહેશે અને તેઓનાં શરીર છાણની જેમ ફેંકી દેવામાં આવશે.
૧૮ યહોવાહના કોપના દિવસે તેઓનું સોનું કે ચાંદી તેઓને ઉગારી શકશે નહિ,
આખી પૃથ્વી યહોવાહના પ્રચંડ ક્રોધના અગ્નિથી ભસ્મીભૂત થઈ જશે.
પૃથ્વી પરના સર્વ રહેવાસીઓનો અંતે, ઝડપી વિનાશ થશે.”