The First Epistle of Paul to Timothy
તિમોથીને પાઉલ પ્રેરિતનો પહેલો પત્ર
પ્રસ્તાવના
૧ ઈશ્વર આપણા ઉદ્ધારકર્તા તથા ખ્રિસ્ત ઈસુ જે આપણી આશા છે, તેમની આજ્ઞાથી થયેલ ખ્રિસ્ત ઈસુના પ્રેરિત પાઉલ તરફથી ખ્રિસ્ત ઈસુ પરના વિશ્વાસમાં મારા સાચા દીકરા તિમોથીને સલામ. ૨ ઈશ્વર આપણા પિતા તથા ખ્રિસ્ત ઈસુ આપણા પ્રભુ તરફથી તને કૃપા, દયા તથા શાંતિ થાઓ.
જૂઠા શિક્ષણ વિરુદ્ધ ચેતવણી
૩ હું મકદોનિયા જતો હતો ત્યારે મેં તને એફેસસમાં રહેવા વિનંતી કરી હતી જેથી તું કેટલાક માણસોને આજ્ઞા કરી શકે કે, તેઓ અલગ પ્રકારનો ઉપદેશ ન કરે, ૪ અને દંતકથાઓ પર તથા લાંબી લાંબી વંશાવળીઓ પર ધ્યાન ન આપે; કેમ કે એવી વાતો, ઈશ્વરની યોજના કે જે વિશ્વાસદ્વારા છે તેને આગળ વધારવાને બદલે ખોટા વાદવિવાદ ઊભા કરે છે.
૫ આ આજ્ઞાનો મુખ્ય હેતુ પ્રેમ છે કે જે શુદ્ધ હૃદય, સારા અંતઃકરણ તથા ઢોંગ વગરના વિશ્વાસથી છે, ૬ જે ચુકી જઈને કેટલાક નકામી વાતો કરવા લાગ્યા છે. ૭ તેઓ નિયમશાસ્ત્રના શિક્ષક થવા ચાહે છે, પણ પોતે શું કહે છે અથવા જે વિષે તેઓ ખાતરીપૂર્વક બોલે છે તે તેઓ પોતે સમજતા નથી. ૮ પણ આપણે તો જાણીએ છીએ કે, જો નિયમશાસ્ત્રનો યથાર્થ ઉપયોગ કરવામાં આવે તો તે સારું છે.
૯ આપણે આટલું તો જાણીએ છીએ કે, નિયમશાસ્ત્ર તો ન્યાયીને માટે નહિ પણ સ્વચ્છંદીઓ, બળવાખોરો, અધર્મીઓ, પાપીઓ, અપવિત્રો, ધર્મભ્રષ્ટો, પિતૃહત્યારાઓ, માતૃહત્યારાઓ, હત્યારાઓ, ૧૦ વ્યભિચારીઓ, સમલૈંગિકો, મનુષ્યોનો વ્યાપાર કરનારાઓ, જૂઠાઓ તથા જૂઠા સાક્ષીઓ ૧૧ તથા સ્તુતિપાત્ર ઈશ્વરના મહિમાની જે સુવાર્તા મને સોંપવામાં આવી છે તે પ્રમાણેના શુદ્ધ ઉપદેશની વિરુદ્ધ જે કંઈ હોય, એવા સર્વને માટે છે.
ઈશ્વરની દયાને માટે આભાર
૧૨ મને સામર્થ્ય આપનાર આપણા પ્રભુ ખ્રિસ્ત ઈસુનો હું આભાર માનું છું કેમ કે તેમણે મને વિશ્વાસુ ગણ્યો અને સેવામાં નિયુક્ત કર્યો; ૧૩ જોકે હું પહેલાં દુર્ભાષણ કરનાર, સતાવનાર તથા હિંસક હતો, તોપણ મારા પર દયા કરવામાં આવી, કારણ કે અવિશ્વાસી હોવાથી મેં અજ્ઞાનતામાં તે કર્યું હતું; ૧૪ પણ ખ્રિસ્ત ઈસુમાં વિશ્વાસ તથા પ્રેમ સાથે પ્રભુની કૃપા અતિશય થઈ.
૧૫ આ વિધાન વિશ્વસનીય તથા સંપૂર્ણ અંગીકાર કરવા યોગ્ય છે કે, ખ્રિસ્ત ઈસુ પાપીઓનો ઉદ્ધાર કરવા સારુ દુનિયામાં આવ્યા, તેઓમાં હું મુખ્ય છું; ૧૬ પણ તે કારણથી મારા પર દયા દર્શાવીને ખ્રિસ્ત ઈસુએ મારામાં પૂરી સહનશીલતા પ્રગટ કરી કે જે દ્વારા અનંતજીવનને સારું વિશ્વાસ કરનારાઓને નમુનો પ્રાપ્ત થાય. ૧૭ જે સનાતન યુગોના રાજા, અવિનાશી, અદ્રશ્ય તથા એકમાત્ર ઈશ્વર છે, તેમને અનંતકાળ માન તથા મહિમા હો. આમીન.
૧૮ દીકરા તિમોથી, તારા વિષે અગાઉ થયેલાં ભવિષ્યકથન પ્રમાણે, આ આજ્ઞા હું તને આપું છું કે, તે ભવિષ્યકથનોની સહાયથી તું સારી લડાઈ લડે; ૧૯ અને વિશ્વાસ તથા શુદ્ધ અંતઃકરણ રાખે. તેનો ત્યાગ કરવાથી કેટલાકનું વિશ્વાસરૂપી વહાણ ભાંગ્યું છે. ૨૦ તેઓમાંના હુમનાયસ તથા એલેકઝાન્ડર છે; તેઓ દુર્ભાષણ કરવાનું ન શીખે માટે મેં તેઓને શેતાનને સોંપ્યાં છે.