6
મુદ્રાઓ તોડવામાં આવી
જ્યારે હલવાને તે સાત મુદ્રામાંની પહેલી ઉઘાડી ત્યારે મેં જોયું. મેં ચાર જીવંત પ્રાણીઓમાંના એકને ગર્જના જેવા અવાજથી બોલતા સાંભળ્યું. તેણે કહ્યું કે, “આવ!” મેં જોયું તો ત્યાં મારી આગળ એક સફેદ ઘોડો હતો. ઘોડા પરના સવાર પાસે એક ધનુષ્ય હતું; તે સવારને એક મુગટ આપવામા આવ્યો હતો. તે ફરીથી વિજય મેળવવા જતો હોય તે રીતે સવાર થઈને નીકળ્યો.
હલવાને બીજી મુદ્રા ઉઘાડી. પછી મેં બીજા જીવતા પ્રાણીને કહેતાં સાંભળ્યું કે. “આવ!” પછી બીજો એક ઘોડો બહાર આવ્યો. આ એક લાલ ઘોડો હતો. તે ઘોડા પર જે સવાર હતો તેને પૃથ્વી પરથી શાંતિ લઈ લેવાની સત્તા આપવામાં આવી, જેથી લોકો એકબીજાને મારી નાખે તેવી તેને સત્તા આપવામાં આવી હતી. આ સવારને એક મોટી તલવાર આપવામાં આવી હતી.
હલવાને ત્રીજી મુદ્રા ઉઘાડી. પછી મેં ત્રીજા જીવતા પ્રાણીને કહેતા સાંભળ્યું કે, “આવ!” મે જોયું, અને ત્યાં મારી આગળ એક કાળો ઘોડો હતો. ઘોડા પર બેઠેલા સવાર પાસે તેના હાથમાં ત્રાજવાંની જોડ હતી. પછી મેં કંઈક વાણીના જેવો અવાજ સાંભળ્યો. જ્યાં ચાર જીવતા પ્રાણીઓ હતાં ત્યાંથી તે વાણી આવી. તે વાણીએ કહ્યું કે, “એક દિવસના વેતનમાં અડધો કિલો ઘઉં, અને એક દિવસના વેતનમાં દોઢ કિલો જવ, પણ તેલ કે દ્રાક્ષારસને તું વેડફીશ નહિ!”
હલવાને ચોથી મુદ્રા ઉઘાડી. પછી મેં ચોથા જીવતા પ્રાણીની વાણી સાંભળી કે, “આવ!” મેં જોયું, તો ત્યાં મારી આગળ એક ફીક્કા રંગનો ઘોડો હતો. ઘોડા પરના સવારનું નામ મરણ હતું. હાદેસ તેની પાછળ પાછળ આવતું હતું. તેઓને પૃથ્વીના ચોથા હિસ્સા પર અધિકાર આપવામા આવ્યો હતો. તેઓને તલવારથી, દુકાળથી, રોગચાળાથી, અને પૃથ્વીના જંગલી પશુઓથી લોકોને મારી નાખવાનો અધિકાર આપવામાં આવ્યો હતો.
તે હલવાને પાંચમી મુદ્રા ઉઘાડી. પછી મેં કેટલાક આત્માઓને વેદી નીચે જોયા. તે એ લોકોના આત્માઓ હતા જેઓ દેવના સંદેશને વફાદાર હતા. તથા જે સત્ય તેઓને પ્રાપ્ત થયુ હતું, તેમાં તેઓ વિશ્વાસુ હતા તેથી તેઓને મારી નાખવામાં આવ્યા હતા. 10 આ આત્માઓએ મોટા સાદે પોકાર કર્યો કે, “ઓ, પવિત્ર અને સત્ય પ્રભુ. તું ક્યાં સુધી ઈન્સાફ કરવાનું તથા પૃથ્વી પરનાં રહેનારાંઓની પાસેથી અમારા રક્તનો બદલો લેવાનું મુલવ્વી રાખીશ?” 11 તેઓમાંના દરેક આત્માને શ્વેત ઝભ્ભો આપવામાં આવ્યો. તે આત્માઓને જ્યાં સુધી આ બધા લોકોને મારી નાખવાનું પૂરું ન થાય ત્યાં સુધી રાહ જોવા કહ્યું. તમારા સાથી સેવકો તથા તમારા ભાઈઓ, જેઓ તમારી પેઠે માર્યા જવાના છે. તેઓની સંખ્યા પૂરી ન થાય, ત્યાં સુધી હજુ વિસામો લો.
12 જ્યારે તે હલવાને છઠી મુદ્રા તોડી પછી મેં જોયું. તો ત્યાં મોટો ધરતીકંપ થયો હતો. વાળમાંથી બનાવેલા કાળા કામળા જેવો સૂર્ય કાળો બની ગયો. આખો ચંદ્ર લોહી જેવો લાલ થઈ ગયો. 13 જેમ ભારે તોફાન પવનથી અંજીરના કોમળ ફળો તૂટી પડે છે, તેમ આકાશમાંના તારાઓ પૃથ્વી પર પડ્યા. 14 આકાશના ભાગલા પડ્યા હતા. તે ઓળિયાની પેઠે વીંટાઇ ગયું અને દરેક પહાડ અને ટાપુને તેની જગ્યાએથી ખસેડવામા આવ્યાં.
15 પછી બધાં લોકો ગુફાઓમાં અને ખડકોની પાછળ છુપાઇ ગયા. ત્યાં જગતના રાજાઓ, શાસકો, સેનાપતિઓ, ધનવાન લોકો તથા પરાક્રમી લોકો હતાં. દરેક વ્યક્તિ ગુલામ કે સ્વતંત્ર સંતાઇ ગયા. 16 તે લોકોએ પહાડો અને ખડકોને કહ્યું કે; “અમારા પર પડો, રાજ્યાસન પર બેઠેલાની નજર આગળથી તથા હલવાનના કોપથી અમને છુપાવી દો! 17 કારણ કે તેઓના મહાન કોપનો દિવસ આવ્યો છે. તેની સામે કોઈ વ્યક્તિ ઊભો રહી શકશે નહિ.”