૧૭
૧ ઇઝરાયલના લોકોની સમગ્ર જમાતે સીનના રણમાંથી છાવણી ઉઠાવીને યહોવાહની આજ્ઞા મુજબ આગળ પ્રયાણ કરીને રફીદીમમાં મુકામ કર્યો. પરંતુ ત્યાં લોકોને પીવા માટે પાણી દુર્લભ હતું. ૨ તેથી લોકોએ મૂસા સાથે તકરાર કરી અને કહ્યું, “અમને પીવા માટે પાણી આપ.” એટલે મૂસાએ તેઓને કહ્યું, “તમે લોકો મારી સાથે શા માટે તકરાર કરો છો? તમે યહોવાહની કસોટી શા માટે કરો છો?” તમે એમ સમજો છો કે ઈશ્વર આપણી સાથે નથી?” ૩ પરંતુ લોકો બહુ તરસ્યા હતા. તેથી તેઓએ મૂસા વિરુદ્ધ બડબડાટ કરતાં કહ્યું કે, “તું અમને, અમારાં સ્ત્રી, બાળકોને અને જાનવરોને તરસે મારવા શા માટે મિસર દેશમાંથી અહીં લઈ આવ્યો?”
૪ આથી મૂસાએ યહોવાહને યાચના કરી, “આ લોકોને માટે હું શું કરું? તેઓ મને પથ્થરે મારી નાખવા તૈયાર થયા છે.” ૫ યહોવાહે મૂસાને કહ્યું, “જા, ઇઝરાયલના કેટલાક વડીલોને સાથે લઈને તું લોકોની આગળ ચાલતો થા. જે લાકડીથી તેં નાઈલ નદી પર પ્રહાર કર્યો હતો તે તારા હાથમાં રાખજે. ૬ જો, હોરેબ પર્વતના એક ખડક ઉપર હું તારી સામે ઊભો રહીશ, પછી તું તે ખડક પર પ્રહાર કરજે, એટલે તે ખડકમાંથી પાણી નીકળશે, જેથી લોકોને પીવા પાણી મળશે.” ઇઝરાયલના વડીલોના દેખતાં મૂસાએ તે મુજબ કર્યુ. (એટલે ત્યાં પાણીનું વહેણ થયું.) ૭ મૂસાએ તે જગ્યાનું નામ માસ્સાહ (પુરાવો) અને મરીબાહ (ઝઘડો) રાખ્યું. કારણ કે આ એ જ જગ્યા હતી જ્યાં ઇઝરાયલના લોકો એની વિરુદ્ધ થયા હતા. અને તેઓએ યહોવાહની કસોટી કરી હતી, તે લોકો જાણવા માગતા હતા કે યહોવા અમારી વચ્ચે છે કે નહિ?
૮ અમાલેકીઓએ રફીદીમ આગળ આવીને ઇઝરાયલીઓ પર હુમલો કર્યો. ૯ પછી મૂસાએ યહોશુઆને કહ્યું કે, “તું આપણામાંથી જોઈતા માણસો પસંદ કરી લે. આવતી કાલે અમાલેકીઓ સામે યુદ્ધ કર. હું ઈશ્વરની લાકડી મારા હાથમાં લઈને પર્વતના શિખર પર ઊભો રહીશ.” ૧૦ યહોશુઆએ મૂસાની આજ્ઞાનો સ્વીકાર કર્યો. તે અમાલેકીઓ સામે જંગે ચડયો. મૂસા તથા હારુન અને હૂર પર્વતના શિખર પર પહોંચી ગયા.
૧૧ ત્યાં મૂસા જ્યારે પોતાના હાથ ઊંચા કરતો, ત્યારે ઇઝરાયલનો વિજય થતો; પરંતુ જ્યારે તે પોતાના હાથ નીચા કરતો, ત્યારે અમાલેકીઓ જીતતા હતા. ૧૨ પણ મૂસાના હાથ થાક્યા એટલે તે લોકોએ એક પથ્થર લાવીને ત્યાં મૂક્યો. મૂસા તેના પર બેઠો. અને એક બાજુથી હારુને તથા બીજી બાજુથી હૂરે ટેકો દઈને મૂસાના હાથોને સ્થિર રાખ્યા, આમ સૂર્યાસ્ત થતાં સુધી તેના હાથ ઊંચા રહ્યા. ૧૩ યહોશુઆ અને તેના લોકોએ અમાલેકીઓને તરવારથી યુદ્ધમાં પરાજિત કર્યા.
૧૪ પછી યહોવાહે મૂસાને કહ્યું, “આ બાબતની યાદગીરી રાખવા માટે તેને પુસ્તકમાં લખ. અને યહોશુઆને કહે કે, હું અમાલેકનું નામનિશાન આકાશ તથા પૃથ્વી પરથી સદાયને માટે નાબૂદ કરીશ.” ૧૫ ત્યાર બાદ મૂસાએ એક વેદી બંધાવી અને તેને “યહોવા નિસ્સી” એવું નામ આપ્યું. ૧૬ તેણે કહ્યું કે, “મેં મારા હાથ યહોવાહના સિંહાસન તરફ લંબાવ્યા હતા અને યહોવાહે પ્રતિજ્ઞા કરી છે કે, તે વંશપરંપરાગત અમાલેક સાથે યુદ્ધ કરશે.”