3
1 તો પછી યહૂદીની વિશેષતા શી છે? અને સુન્નતથી શો લાભ છે? 2 સર્વ પ્રકારે ઘણાં લાભ છે. પ્રથમ તો એકે, ઈશ્વરનાં વચનો તેઓને સોંપવામાં આવ્યાં હતાં.
3 અને જો કેટલાક અવિશ્વાસી હતા તો શું? તેઓનો અવિશ્વાસ શું ઈશ્વરના વિશ્વાસુપણાને નિરર્થક કરે? 4 ના, એવું ન થાય; હા, દરેક મનુષ્ય જૂઠું ઠરે તોપણ ઈશ્વર સાચા ઠરો; જેમ લખેલું છે કે, ‘તમે પોતાનાં વચનોમાં ન્યાયી ઠરો, અને તમારો ન્યાય કરવામાં આવે ત્યારે તમારો વિજય થાય.’ ”
5 પણ જો આપણું અન્યાયીપણું ઈશ્વરના ન્યાયીપણાને સ્થાપિત કરે છે, તો આપણે શું કહીએ? જે આપણા પર ક્રોધ લાવે છે તે ઈશ્વર અન્યાયી છે શું? હું મનુષ્યની રીત પ્રમાણે બોલું છું. 6 ના, એવું ન થાઓ; કેમ કે જો એમ હોય તો ઈશ્વર માનવજગતનો ન્યાય કેવી રીતે કરે?
7 પણ જો મારા અસત્યથી ઈશ્વરનું સત્ય તેમના મહિમાને અર્થે વધારે પ્રગટ થયું, તો હજુ સુધી અપરાધી તરીકે મારો ન્યાય કેમ કરવામાં આવે છે? 8 અને અમારી નિંદા કરનારા કેટલાક અમારા વિષે કહે છે કે, ‘તેઓનું બોલવું એવું છે કે, સારું થાય માટે આપણે દુષ્ટતા આચરીએ, એવું કેમ ન કરીએ?’ તેઓને કરાયેલી શિક્ષા ઉચિત છે.
કોઈ ન્યાયી નથી, સૌ કોઈ પાપી છે
9 તો પછી શું? આપણે તેઓના કરતાં સારા છીએ? ના તદ્દન નહિ. કારણ કે આપણે અગાઉ યહૂદીઓ તથા ગ્રીકો પર દોષ મૂક્યો કે તેઓ સઘળા પાપને આધીન છે. 10 જેમ શાસ્ત્રમાં લખેલું છે તેમ કે; ‘કોઈ ન્યાયી નથી, એક પણ નથી; 11 સમજનાર અને ઈશ્વરને શોધનાર કોઈ નથી; 12 તેઓ સર્વ ભટકી ગયા છે, તેઓ બધા નકામા થયા છે; સારું કામ કરનાર કોઈ નથી, ના, એક પણ નથી 13 તેઓનું ગળું ઉઘાડી કબર જેવું છે; પોતાની જીભથી તેઓએ કપટ કર્યું છે; તેઓના હોઠોમાં સાપનું ઝેર છે! 14 તેઓનું મોં શ્રાપથી તથા કડવાશથી ભરેલું છે; 15 તેઓના પગ લોહી વહેવડાવવા માટે ઉતાવળા છે; 16 તેઓના માર્ગોમાં વિનાશ તથા વિપત્તિ છે; 17 શાંતિનો માર્ગ તેઓએ જાણ્યો નથી 18 તેઓની આંખ આગળ ઈશ્વરનું ભય નથી.’ ”
19 હવે આપણે જાણીએ છીએ કે જેઓ નિયમશાસ્ત્રને આધીન છે, તેઓને નિયમશાસ્ત્ર કહે છે, જેથી દરેક મોં બંધ થાય, અને આખું માનવજગત ઈશ્વરની આગળ દોષિત ઠરે. 20 કેમ કે તેની આગળ કોઈ મનુષ્ય નિયમશાસ્ત્રની કરણીઓથી ન્યાયી ઠરશે નહિ, કેમ કે નિયમ દ્વારા તો પાપ વિષે સમજ પડે છે.
ઈશ્વરે રજૂ કરેલો મુક્તિનો માર્ગ
21 પણ હમણાં ઈશ્વરનું એવું ન્યાયીપણું પ્રગટ થયું છે કે જે નિયમશાસ્ત્રને આધારિત નથી, અને જેની ખાતરી નિયમશાસ્ત્ર તથા પ્રબોધકો આપે છે; 22 એટલે ઈશ્વરનું ન્યાયીપણું, જે ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસદ્વારા સર્વ વિશ્વાસ કરનારાઓને માટે છે તે; કેમ કે એમાં કંઈ પણ તફાવત નથી.
23 કારણ કે બધાએ પાપ કર્યું છે અને ઈશ્વરના મહિમા વિષે બધા અધૂરાં રહે છે; 24 પણ ખ્રિસ્ત ઈસુમાં જે ઉદ્ધાર છે, તેમની મારફતે ઈશ્વરની કૃપાએ તેઓ વિનામૂલ્યે ન્યાયી ગણાય છે.
25 ઈશ્વરે તેમને તેમના રક્ત પરના વિશ્વાસથી લોકો માટે પ્રાયશ્ચિત થવા માટે ઠરાવ્યાં, કે જેથી અગાઉ થયેલાં પાપની માફી અપાઈ તે વિષે તે પોતાનું ન્યાયીપણું બતાવે; 26 એટલે કે વર્તમાન સમયમાં તે ઈશ્વરની ધીરજમાં પોતાનું ન્યાયીપણું પ્રદર્શિત કરે, જેથી પોતે ન્યાયી રહીને ઈસુ પર વિશ્વાસ રાખનારને ન્યાયી ઠરાવનાર થાય.
27 તો આત્મપ્રશંસા કરવાનું ક્યાં રહ્યું? તેનો સમાવેશ નથી. કયા નિયમથી? શું કરણીના? ના, પણ વિશ્વાસના નિયમથી. 28 માટે અમે એવું સમજીએ છીએ કે, મનુષ્ય નિયમશાસ્ત્રની કરણીઓ વગર વિશ્વાસથી ન્યાયી ઠરે છે.
29 નહિ તો શું ઈશ્વર કેવળ યહૂદીઓના જ છે? શું બિનયહૂદીઓના પણ નથી? હા, બિનયહૂદીઓના પણ છે; 30 કારણ કે ઈશ્વર એક જ છે કે તે સુન્નતીને અને બેસુન્નતીને પણ વિશ્વાસદ્વારા ન્યાયી ઠરાવશે.
31 ત્યારે શું અમે વિશ્વાસથી નિયમશાસ્ત્રને રદબાતલ કરીએ છીએ? ના, એવું ન થાઓ, તેથી ઊલટું અમે તો નિયમશાસ્ત્રને પ્રસ્થાપિત કરીએ છીએ.