76
ન્યાયી ઈશ્વર
મુખ્ય ગવૈયાને માટે; તારવાળાં વાજાં સાથે ગાવાને, આસાફનું ગીત; ગાયન.
1 યહૂદિયામાં ઈશ્વર પ્રગટ થયેલા છે;
ઇઝરાયલમાં તેમનું નામ મોટું છે.
2 તેમનો મંડપ સાલેમમાં* 76:2 યરુશાલેમ છે
અને તેમનું નિવાસસ્થાન સિયોનમાં છે.
3 ત્યાં તેમણે ધનુષ્યનાં ચળકતાં બાણોને ભાંગી નાખ્યાં,
ઢાલ, તલવાર તથા યુદ્ધસામગ્રી તેમણે ભાંગી નાખ્યાં.
સેલાહ
4 સનાતન પર્વતોમાંથી
તમે મહિમાવાન તથા ઉત્તમ છો.
5 જેઓ શૂરવીર છે, તેઓ લૂંટાયેલા છે,
તેઓ નિદ્રાવશ થયા છે.
સર્વ લડવૈયાઓ અસહાય થઈ ગયા છે.
6 હે યાકૂબના ઈશ્વર, તમારી ધમકીથી
રથ અને ઘોડા બન્ને ભરનિદ્રામાં પડ્યા છે.
7 તમે, હા, તમે ભયાવહ છો;
જ્યારે તમે કોપાયમાન થાઓ, ત્યારે તમારી સામે કોણ ઊભું રહી શકે?
8 તમે આકાશમાંથી ન્યાય ચુકાદો ફરમાવ્યો,
ધરતી ભયભીત બનીને શાંત થઈ ગઈ.
9 હે ઈશ્વર, તમે ન્યાય કરવા માટે
અને પૃથ્વીના સર્વ ગરીબોને બચાવવાને માટે ઊભા થયા છે.
સેલાહ
10 નિશ્ચે માણસનો કોપ તમારું સ્તવન કરશે.
બાકી રહેલો તેનો કોપ તમે તમારી કમરે બાંધશો† 76:10 યુદ્ધમાં બચી ગયેલા લોકો તમારી ઉજવણી કરશે.
11 તમે તમારા ઈશ્વર યહોવાહની પ્રતિજ્ઞાઓ લઈને પૂરી કરો.
તેમની આસપાસના સર્વ ભયાવહ ઈશ્વરની પાસે દાન લાવો.
12 તે રાજકુમારોનું અભિમાન ઉતારશે;
પૃથ્વીના રાજાઓની પ્રત્યે તે ભયાવહ છે.